વિપક્ષના બે નેતાઓ પરાજીત થયા
ગુજરાતની ચૂંટણીમાં છેલ્લા પાંચ વર્ષમાં વિપક્ષના નેતા તરીકે રહી ચૂકેલા કોંગ્રેસના બંને નેતાઓનો પરાજય થયો છે જેમાં પાવી જેતપુરની બેઠક પર વિપક્ષના વર્તમાન નેતા સુખરામ રાઠવા પરાજીત થયા છે જ્યારે અમરેલીની બેઠક પર વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી પરાજીત થયા છે.
આંકલાવ સીટ પર અમિત ચાવડાની જીત
કોંગ્રેસના જે ગણ્યાગાંઠ્યા નેતાઓ જીત્યા છે તેમાં પૂર્વ પ્રમુખ અમિત ચાવડા તેમની આંકલાવ બેઠક જાળવી રાખી છે.
જમાલપુર ખાડીયામાંથી કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાએ બેઠક જાળવી રાખી
અમદાવાદમાં કોંગ્રેસનો સફાયો થયો છે પરંતુ જમાલપુર ખાડીયા બેઠક પર પક્ષના એકમાત્ર મુસ્લીમ ચહેરા ઇમરાન ખેડાવાલાએ પોતાની બેઠક જાળવી રાખવામાં સફળતા મેળવી છે.
વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર વિજેતા: શંકર ચૌધરી થરાદથી જીત્યા
ઠાકોર સમુદાય માટે મહત્વની વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોર જીત્યા છે તેઓએ ગત ચૂંટણીમાં શંકર ચૌધરીને હરાવ્યા હતા. જ્યારે આ ચૂંટણીમાં શંકર ચૌધરીએ પોતાની બેઠક બદલી હતી અને થરાદ બેઠક પરથી લડતા તેઓ વિજેતા થયા છે.
અર્જુન મોઢવાડીયાએ કોંગ્રેસની પ્રતિષ્ઠા જાળવી
પોરબંદરમાં ભાજપને બાબુભાઈ બોખીરીયાની બેઠક ગુમાવી પડી છે. અહીં કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ વિજય મેળવ્યો છે. રસપ્રદ બાબત એ છે કે 2012 અને 2017માં બાબુ બોખીરીયાએ મોઢવાડીયાને હરાવ્યા હતા.