(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા. 8 : મોરબી જિલ્લામાં પણ ભાજપનો કેસરીયો ઝંડો ફરી વળ્યો છે. આજે સવારે 3 બેઠકના ચાર રાઉન્ડની મત ગણતરી પૂરી થતા ભાજપના ઉમેદવારો ખુબ આગળ નીકળી ગયા છે અને વાંકાનેરમાં તો જીતુ સોમાણીની લીડ જોતા તેમનો વિજય નિશ્ચીત બની ગયો છે. આજે વાંકાનેર બેઠકની 8 રાઉન્ડની ગણતરી સવારે 10.15 કલાકે પૂરી થઇ જતા ભાજપના ઉમેદવાર જીતુભાઇ સોમાણીને 36372, કોંગ્રેસના ઉમેદવાર પીરઝાદાને 26310 મત મળતા જીતુભાઇને 10062ની લીડ મળી ગઇ હતી. મોરબીના ભાજપના કાંતિભાઇ અમૃતિયા 6 રાઉન્ડના અંતે 5577 મતે આગળ હતા અને હજુ મોરબી શહેરના મત ગણવાના બાકી હોય તેમની મોટી લીડ નિશ્ચીત મનાય છે. 1995 બાદ પ્રથમ વખત કોંગ્રેસના ગઢ એવા માળીયામાં ભાજપના ઉમેદવારે મોટુ ગાબડુ પાડયું છે.
ટંકારામાં પણ ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઇ દેથરીયા, કોંગ્રેસના લલીત કગથરા કરતા 2667 મતથી આગળ નીકળી ગયા હતા. મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ પોલીટેકનીક કોલેજ ખાતે આજે સવારથી મત ગણતરીનો પ્રારંભ થયો હતો અને સર્વપ્રથમ પોસ્ટલ બેલેટની મતગણતરી કરવામાં આવી હતી. તેની સાથોસાથ ઇવીએમમાં પડેલા મતની ગણતરી પણ શરૂ કરવામાં આવી હતી. આ ત્રણેય બેઠક ઉપર પ્રથમ રાઉન્ડની ગણતરી પૂર્ણ થતા ત્રણે ત્રણ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો આગળ હતા અને હાલમાં પણ મત ગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે. ગુજરાતની 182 બેઠકો માટે આજે મતગણતરી થઈ રહી છે ત્યારે જો વાત કરીએ મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લામાં આવતી મોરબી માળિયા, ટંકારા પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠક માટેની પણ મતગણતરી શરૂ કરવામાં આવી હતી.
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે આવેલ પોલીટેકની કોલેજ ખાતે જુદી જુદી બે બિલ્ડીંગમાં ત્રણેય બેઠક માટેની મતગણતરી નો પ્રારંભ થઈ ગયો હતો. સવારે 8:00 વાગ્યાથી પોસ્ટલ બેલેટ ની ગણતરી ત્રણેય બેઠક ઉપર શરૂ કરવામાં આવી હતી. આ ત્રણેય બેઠક માટે કુલ મળીને 4,161 પોસ્ટલ બેલેટની ગણતરી થઇ હતી. તેની સાથોસાથ મત ગણતરીની પ્રક્રિયા ઝડપથી આગળ વધી શકે તે માટે થઈને જુદા જુદા 14-14 ટેબલ ઉપર ત્રણેય બેઠક ઉપર ક્રમશ: ઇવીએમ મશીન લાવવાની કામગીરી પણ ચૂંટણી વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. વધુમાં જાણવા મળતી વિગતો મુજબ મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર પ્રથમ રાઉન્ડના અંતે મોટો અપસેટ જોવા મળ્યો હતો. મોરબી માળિયા વિધાનસભા બેઠક ઉપર આ વખતની ચૂંટણીમાં ભાજપ તરફથી કાંતિભાઈ અમૃતિયા અને કોંગ્રેસ તરફથી જયંતીભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે
ત્યારે દર વખતે માળિયા તાલુકા થી મોરબી માળિયા વિધાનસભા બેઠકની મત ગણતરીનો પ્રારંભ થતો હોય છે અને ત્યાર ભાજપના ઉમેદવારને તેમાં લીડ ન મળતી હોય તેવું સામાન્ય રીતે જોવા મળતું હોય છે પરંતુ આ વખતની ચૂંટણીમાં મોટો અપસેટ ગણી શકાય તેમ માળીયાથી જ ચૂંટણીના મતની ગણતરી શરૂ અને પ્રથમ રાઉન્ડમાં કાજરડા સહિતના વિસ્તારોના બુથના ઇવીએમ મશીનને ખોલવામાં આવ્યા હતા અને તેમાં ભાજપના ઉમેદવાર કાંતિભાઈ અમૃતિયા ને 481 મત ની લીડ મળી હતી. તેવી જ રીતે ટંકારા પડધરી બેઠક ઉપર ભાજપના ઉમેદવાર દુર્લભજીભાઈ દેથરીયા ને 71 મણની લીડ મળી હતી અને વાંકાનેર કુવાડવા બેઠકની વાત કરીએ તો ત્યાં પણ પ્રથમ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર જીતુભાઈ સોમાણી કોંગ્રેસના ઉમેદવાર કરતા 3350 મતથી આગળ હતા.