રાજકોટ ભાજપમાં નવા યુગનો ઉદય : બળવો, નારાજગી, અસંતોષની કારમી હાર

08 December 2022 06:40 PM
Elections 2022
  • રાજકોટ ભાજપમાં નવા યુગનો ઉદય : બળવો, નારાજગી, અસંતોષની કારમી હાર

► વિધાનસભાની ચારે ચાર બેઠક પર નવા ઉમેદવારોના પ્રયોગ સફળ : ભાજપે તમામ બેઠક 2017થી પણ મોટી લીડ સાથે જીતી

રાજકોટ, તા. 8 : વિધાનસભાની ચૂંટણીના આજે જાહેર થયેલા પરિણામોએ ભાજપની છાતી ગદગદ ફુલાવી દીધી છે. રાજકોટ વિધાનસભાની ચારેચાર બેઠક ઉપર ભાજપે વર્તમાન ધારાસભ્યોને પડતા મુકીને ચાર નવા ચહેરાને તક આપતા ભાજપના ગઢ જેવા શહેરમાં મોટો પ્રયોગ અને અમુક અંશે જોખમ લીધાનું વાતાવરણ ઉભુ થયું હતું. પક્ષમાં અસંતોષ, પક્ષ વિરોધી પ્રવૃત્તિના દાખલા, ટીકીટ ન મળવાથી એક મોટા જુથની નારાજગી સહિતના પરિબળો ચૂંટણી પરિણામને કોઇ અસર કરી શકયા નથી. તો આવા ધુંધવાટ વચ્ચે ભાજપના વિશાળ પરિવાર જેટલી જ અંગત મહેનત ચારેચાર ઉમેદવારોએ કરવી પડી હતી. પરંતુ આ મહેનત અને પ્રજાના ભાજપ સાથે સીધા જોડાણના મીઠા પણ મળી જતા જુથવાદ અને અસંતોષ પણ હારી ગયો છે.

ચારે બેઠક પૈકી રાજકોટ-68 અને રાજકોટ-70માં નારાજગીનો વધુ માહોલ હતો. રાજકોટ પૂર્વમાં ભાજપના પૂર્વ મેયર ઉદય કાનગડની બેઠક સૌરાષ્ટ્રની સૌથી સ્પર્ધાવાળી અને હોટ સીટમાં આવી ગઇ હતી. તો રાજકોટ દક્ષિણમાં ભાજપના નવા ઉમેદવાર ઉદ્યોગપતિ રમેશભાઇ ટીલાળા સામે તો થયેલા વિરોધ અને સમાંતર થયેલી પક્ષ વિરોધી પ્રવૃતિથી ભારે ગરમી હતી. પરંતુ આ બંને બેઠકના ઉમેદવારોને પણ મતદારોએ આવી તમામ વાતો સાઇડલાઇન રાખીને વિધાનસભામાં પહોંચાડી દીધા છે. જયારે રાજકોટ પશ્ચીમ બેઠક ઉપર તો ભાજપના ડો.દર્શિતાબેન શાહે લીડના તમામ રેકોર્ડ તોડીને નવો ઇતિહાસ સર્જયો છે. જયારે ગ્રામ્યમાં ભાનુબેન બાબરીયાનો પણ જંગી લીડ સાથે વિજય થયો છે.

► પૂર્વમાં ઉદય કાનગડ સામે કોંગ્રેસ કરતા ભાજપમાં મોટા પડકાર હતા : ત્રિપાંખીયા જંગની હવા પણ નીકળી ગઇ

રાજકોટ પૂર્વમાં મંત્રી અરવિંદ રૈયાણીની ટીકીટ કાપીને ભાજપે પૂર્વ મેયર અને પ્રદેશ બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉદય કાનગડને ઓબીસી ચહેરા તરીકે ટીકીટ આપી હતી. ઉદય કાનગડ પક્ષના સીનીયર અને મનપામાં તમામ હોદ્દા ભોગવી ચૂકેલા નેતા છે. તેમના નામ સામે કોઇ મોટા વિરોધનું કારણ ન હતું, પરંતુ ભાજપે પટેલ ધારાસભ્યને કાપતા આ વાતને ખૂબ હવા આપવામાં આવી હતી. સામે કોંગ્રેસે ફરી પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂને જંગમાં ઉતારતા આ બેઠક હોટ સીટ બની ગઇ હતી. આ બેઠક પર સરસાઇ બહુ નહીં રહે તેવી આગાહી થતી હતી. કોંગ્રેસ છેલ્લે છેલ્લે આ બેઠક પર એક થઇ હતી. પરંતુ મતદારોનો વિશ્વાસ અંકે કરી શકી નથી.
અહીં ઉદય કાનગડ માટે પાર્ટીના અમુક લોકોએ, સીનીયરોએ પૂરતી મહેનત નહીં કર્યાની વાત પૂરા ભાજપ પરિવારમાં ફેલાતી જતી હતી. ભાજપ અને કોંગ્રેસ બેમાંથી કોઇએ પટેલને ટીકીટ આપી નથી.

► પશ્ચીમમાં મોદી, વાળા અને રૂપાણીની બેઠક પર ઐતિહાસિક લીડ મેળવી પ્રથમ મહિલા પ્રતિનિધિ બનતા ડો.દર્શિતાબેન શાહ

એટલે અમુક લોકો તો આપના ઉમેદવાર રાહુલ ભુવાને પણ મત આપવા ખાનગીમાં વાતો કરતા હતા. ઉદય કાનગડને છેલ્લે સુધી થોડા ટેન્શન સાથે પ્રચાર કરવો પડયો હતો. એક તબકકે તો કોણ સાથે છે અને કોણ સામે છે તે સ્પષ્ટ થતું ન હતું. ભાજપના અમુક નેતાઓ અહીં મોઢુ દેખાડવા ખાતર ધરાર પ્રચારમાં જોડાતા હતા. પરંતુ અનુભવી ઉદય કાનગડે પોતાની મહેનત પણ સમાંતર લંબાવી દીધી હતી. વર્ષોથી જાહેર જીવનમાં અને મહાપાલિકામાં સક્રિય રહેવાનો અનુભવ પણ તેમને કામ આવ્યો હતો. પાટીદાર સહિતનું ગ્રુપ તેમની પાસે પણ વર્ષો જુનુ હતું. ભાજપ અને નરેન્દ્રભાઇ મોદીની વાતો આ મતક્ષેત્રમાં તેઓ સતત પહોંચાડતા હતા. તો મતદારોને તેમની વાત પર ભરોસો બેસી ગયો હતો. અંતે મતદારોને જુથવાદ કે અસંતોષ જેવી વાતમાં રસ ન પડયો અને ભાજપને પૂરતા મત આપી દીધા..

► દક્ષિણમાં રમેશભાઇ ટીલાળાને લાગેલુ આયાતીનું લેબલ હારી ગયું : સમાંતર સંમેલનો થયા : અંતે સ્વચ્છ પ્રતિભાનો વિજય

રાજકોટ-69 બેઠક પરથી તો વર્ષો સુધી પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળા, પ્રથમ વખત ચૂંટણી લડતા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, બે વખત પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ચૂંટણી જીત્યા છે. આ બેઠક ભાજપ કયારેય હાર્યો નથી અને આ વખતે પ્રથમવાર મહિલા ઉમેદવાર તરીકે ડે.મેયર ડો.દર્શિતાબેન શાહને ટીકીટ આપી હતી. અહીં પણ વર્ષોથી ટીકીટ માટે પ્રતિક્ષામાં રહેલા અર્ધો ડઝન જેટલા મોટા માથા નિરાશ થયેલા હતા. તેમના વોર્ડ નં.2માં પણ મતદાન ઓછું રહ્યું હતું. પરંતુ આ બેઠક કોઇ જ્ઞાતિ, વ્યકિત કે નેતાની નહીં.. માત્ર ભાજપની છે તેવું મતદારોએ એક લાખથી વધુની લીડ આપીને સાબિત કરી દીધુ છે. રાજકોટ-70 દક્ષિણમાં નવેનવા ઉમેદવાર રમેશભાઇ ટીલાળાનું નામ જાહેર થતા ભાજપમાં નારાજગીનો મોટો સૂર ઉઠયો હતો.

► ગ્રામ્યમાં ફરી બાબરીયા પરિવારનો યુગ આવ્યો : કેટલીક નારાજગી, કોંગ્રેસ અને આપ સાથેના ત્રિપાંખીયા જંગને હરાવી દેતા ભાનુબેન

જે ધીમે ધીમે શાંત પડયો.. છતાં આ મત ક્ષેત્રમાં ભાજપ સામે અનેક જ્ઞાતિઓના સંમેલન થયા હતા. છતાં સરળ અને બિનવિવાદાસ્પદ વ્યકિતત્વ ધરાવતા રમેશભાઇનો નોંધપાત્ર લીડ સાથે વિજય થયો છે. આ બેઠક ઉપર પણ પાર્ટી જેટલી જ મહેનત રમેશભાઇ ટીલાળાએ કરવી પડી હતી તે ઉલ્લેખનીય છે. રાજકોટ-71 ગ્રામ્યમાં બાબરીયા પરિવારના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ફરી ટીકીટ આપવામાં આવતા એક જ પરિવારને આટલી બધી તક કેમ અને બીજાનો શું વાંક તેવો સવાલ ઘણા દાવેદારો કરવા લાગ્યા હતા. વળી ચારે બેઠકમાં સૌથી પ્રતિષ્ઠાનો ત્રિપાંખીયો જંગ આ બેઠક પર હતો. ભાનુબેન સામે કોંગ્રેસમાંથી સુરેશ બથવાર અને આપમાંથી વશરામભાઇ સાગઠીયા ચૂંટણી લડતા હતા. જેઓને શહેરના કે તાલુકાના મતદારોએ સ્વીકાર્યા નથી. ભાનુબેન બાબરીયાનો પણ ખુબ સારી લીડથી વિજય થયો છે.

આ બેઠક ઉપર પણ જુથવાદ જેવી કોઇ વાત ચાલી નથી અને લોકોને માત્ર ભાજપમાં રસ છે તેવું સાબિત થયું છે. ભાજપે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ડબલ એન્જીન સરકારના નામે મત માંગ્યા હતા. આ વખતે પ્રમાણમાં 2017 કરતા ઘણું ઓછું મતદાન થવા છતાં ચારે બેઠક પર ભાજપની લીડ વધીને નીકળી છે. 2017 કરતા મતદારો વધ્યા હતા આથી ટકાવારી થોડી ઓછી દેખાઇ હતી. તો સામે નવા મતદારોને ભાજપ અને મોદીમાં જ રસ હોવાનું તારણ પણ નીકળ્યું છે. હવે રાજકોટમાં નવા ભાજપ અને નવી નેતાગીરીનો ઉદય થાય તેવું પણ માનવામાં આવે છે. વર્ષો જુના જોગીઓ ચૂંટણી જંગમાંથી બહાર થયા અને અમુક ઠંડા પણ રહ્યા. આ તમામ બાબતોની નોંધ લઇને ઉપરથી રાજકોટ-ગાંધીનગર વચ્ચે નવી લાઇન શરૂ કરવામાં આવે તેવું પણ જાણકારો કહી રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement