રાજકોટ, તા.8 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો કોઈએ કલ્પના ન કરી હોય તે પ્રકારે જાહેર થઈ રહ્યા છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોના આધારે સ્પષ્ટપણે કહી શકાય કે ભાજપ વનસાઈડ જીત હાંસલ કરવા તરફ અગ્રેસર છે. બીજી બાજુ આ ચૂંટણીમાં નવીનતા એ રહેવા પામી હતી કે પરિણામ જાહેર થયા સુધી કોને કેટલી બેઠકો આવશે, કોણ હારશે, કોણ જીતશે, કોણ જાયન્ટ કિલર્સ બનશે ત્યાં સુધી તરેહ-તરેહની ચર્ચાઓ અને અટકળો વહેતી થઈ હતી. જો કે ઈવીએમ ખુલતાંની સાથે જ આ તમામ અટકળો અને ચર્ચાઓ ખોટી નિવડી છે.
► રાજકોટ-68 બેઠક પર ઉદય કાનગડે પોતાના કટ્ટર હરિફ ઈન્દ્રનીલને હંફાવી ભાજપનો ગઢ જાળવી રાખ્યો: મહેન્દ્ર પાડલિયાએ ધોરાજીમાં કોંગ્રેસ, જીતુ સોમાણીએ વાંકાનેરમાં કોંગ્રેસ, દુર્લભજી દેથરીયાએ પડધરીમાં કોંગ્રેસ, કૌશિક વેકરિયાએ અમરેલીમાં કોંગ્રેસનો ગઢ ખૂંચવી લીધો
આજે આવેલા પરિણામોમાં ભાજપ સોળે કળાએ ખીલ્યો છે અને સૌરાષ્ટ્રમાં તેણે કોંગ્રેસના અનેક ગઢ ખૂંચવી લીધા છે. બીજી બાજુ પહેલીવાર જ ચૂંટણી લડી રહેલી આમ આદમી પાર્ટીએ ભાજપ-કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે તો કોંગ્રેસ પણ અમુક-અમુક જગ્યાએ ભાજપની એકતરફી લહેર વચ્ચે પણ જીતીને પોતાનો નવો ગઢ બનાવી શકી છે. સૌથી પહેલાં રાજકોટ-68 બેઠકની વાત કરવામાં આવે તો અહીં ભાજપ તરફથી ઉદય કાનગડે જીત માટે તમામ તાકાત લગાવી દીધી હતી. તેની સામે કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજગુરુ અને આપના રાહુલ ભૂવા પણ જોરદાર લડત આપી રહ્યા હતા. રાજકોટની ચાર પૈકી જીતનું સૌથી વધુ સસ્પેન્સ આ બેઠક ઉપર જોવા મળી રહ્યું હતું પરંતુ ઉદય કાનગડે જ્વલંત જીત હાંસલ કરીને પોતાના કટ્ટર હરિફને હરાવ્યા જ છે સાથે સાથે રાજકોટ-68નો પોતાનો ગઢ પણ જાળવી રાખ્યો છે.
► સંજય કોરડીયાએ જૂનાગઢમાં કોંગ્રેસ, કે.સી.રાઠોડે ઉનામાં કોંગ્રેસ, અરવિંદ લાડાણીએ માણાવદરમાં ભાજપ, ભૂપત ભાયાણી (આપ)એ વિસાવદરમાં ભાજપ, હેમંત ખવા (આપ)એ જામજોધપુરમાં ભાજપ, સુધીર વાઘાણીએ ગારિયાધારમાં ભાજપનો ગઢ તોડી પાડ્યો
આવી જ રીતે ધોરાજીમાં કોંગ્રેસના વર્ષોથી ચાલ્યા આવતાં એકહથ્થું શાસનનો અંત ભાજપના ઉમેદવાર મહેન્દ્ર પાડલિયાએ આણ્યો છે. મહેન્દ્ર પાડલિયાને જ્યારે ટિકિટ અપાઈ ત્યારે ઘણા લોકો એમ કહેતા હતા કે ભાજપે અહીં ભૂલ કરી છે પરંતુ હંમેશા ફૂંકી ફૂંકીને છાશ પીવા માટે જાણીતા ભાજપે અહીં પણ સૂઝબૂઝ સાથે જ પાડલિયાને મેદાને ઉતાર્યા હતા જેમાં સફળતા મળી છે અને પાડલિયા જીતવામાં સફળ રહ્યા છે. વાંકાનેર બેઠકની વાત કરવામાં આવે તો આ પણ કોંગ્રેસનો ગઢ જ હતો પરંતુ આ વખતે તેમાં ગાબડું પાડવામાં ભાજપના જીતુભાઈ સોમાણી સફળ રહ્યા છે. સૌ કોઈ જાણે છે કે જીતુ સોમાણીની સામે ભાજપમાં જ આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો હતો આમ છતાં તેમણે જંગી લીડથી જીત મેળવીને કોંગ્રેસનો વધુ એક ગઢ તોડી પાડ્યો છે.
જ્યારે ટંકારા બેઠક પર ભાજપની ટિકિટ પર ચૂંટણી લડેલા દૂર્લભજીભાઈ દેથરિયાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા લલિત કગથરાને પરાજિત કરી મેજર અપસેટ સર્જયો છે. અમરેલી બેઠક એ કોંગ્રેસનો ગઢ ગણાઈ રહ્યો હતો અને અહીં પરેશ ધાનાણી ખુદ એક નજાયન્ટ કિલરથ બનીને ઉભરી આવ્યા હતા પરંતુ આ વખતે તેમની સામે અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ કૌશિક વેકરિયા ભારે પડ્યા હોય તેવી રીતે તેમણે ધાનાણીને પરાજિત કરીને અમરેલીને ભાજપનો ગઢ બનાવી દીધો છે. જ્યારે જૂનાગઢ બેઠક પર સંજય કોરડિયાએ કોંગ્રેસના દિગ્ગજ ઉમેદવાર ભીખાભાઈ જોશી, કે.સી.રાઠોડે ઉનામાં પૂંજાભાઈ વંશ, આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ વિસાવદરમાં ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડીયા, આમ આદમી પાર્ટીના હેમંત ખવાએ જામજોધપુરમાં ભાજપના પૂર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સુધીર વાઘાણીએ ગારિયાધારમાં ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઈ નાકરાણીને હરાવીને ભાજપનો ગઢ તોડી બતાવ્યો છે.
► અર્જુન મોઢવાડિયાએ ભાજપના પૂર્વ મંત્રી અને બબ્બે ટર્મથી જીતતાં આવતાં બાબુભાઈ બોખીરિયાને પોરબંદરમાં કર્યા ચિત્ત: વિમલ ચુડાસમાએ સોમનાથમાં માનસિંહ પરમારને હંફાવ્યા તો પ્રતાપ દૂધાત (સાવરકુંડલા) અને અમરીશ ડેર (રાજુલા)ની બેઠક જાળવી રાખવામાં સફળ રહે તેવી પૂરેપૂરી શક્યતા
ભાજપની આટલી તીવ્ર લહેર વચ્ચે પોરબંદર બેઠક ઉપર કોંગ્રેસે મોટો અપસેટ સર્જીને અર્જુન મોઢવાડિયાએ ભાજપના પૂર્વ મંત્રી અને બબ્બે ટર્મથી ધારાસભાની ચૂંટણી જીતતા આવતાં બાબુભાઈ બોખિરિયાને હરાવી દીધા છે તો વિમલ ચુડાસમાએ સોમનાથમાં ભાજપના માનસિંહ પરમારને હંફાવીને જીત મેળવી છે. આવી જ રીતે સાવરકુંડલામાં કોંગ્રેસના પ્રતાપ દૂધાત અને રાજુલામાં કોંગ્રેસના અમરીશ ડેર પોતાની બેઠક જાળવી રાખે તેવી શક્યતા જોવા મળી રહી છે પરંતુ હજુ પણ અહીં મત ગણતરી ચાલી રહી હોવાથી કંઈ પણ નવાજૂની થઈ શકે છે. ખંભાળિયા બેઠક ઉપર આ વખતે સૌરાષ્ટ્રનો સૌથી રસપ્રદ ચૂંટણી જંગ જામ્યો હતો કેમ કે અહીં કોંગ્રેસ તરફથી વિક્રમ માડમ, ભાજપ તરફથી મુળુભાઈ બેરા અને આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રીપદના દાવેદાર એવા ઈશુદાન ગઢવી મેદાને ઉતર્યા હતા. છેવટ સુધી અહીં રસાકસી ચાલ્યા બાદ અંતે ભાજપના મુળુભાઈ બેરાએ શાનદાર જીત મેળવી ખંભાળિયામાં કોંગ્રેસના ગઢના ગાબડું પાડી દીધું છે.