રાજકોટ. તા.8 : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં બે ભાન હાલતમાં મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ હતી.પ્રાપ્ત વિગત અનુસાર, 150 ફૂટ રીંગરોડ પર આવેલ ખોડિયાર સોસાયટીમાં રહેતાં અશોકભાઈ રમણિકલાલ જયસ્વાલ (ઉ.વ.58) ગતરોજ ઘરે હતાં ત્યારે બેભાન થઈ ઢળી પડ્યા હતાં. જેમને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું.
બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી. મૃતક રીક્ષા ડ્રાઇવર છે અને ઘણાં સમયથી બીમારીથી પીડિત હતાં. તેને સંતાનમાં બે પુત્ર-બે પુત્રી છે. બનાવથી પરિવારમાં શોક છવાયો હતો. બીજા બનાવમાં, મોરબી રોડ પર જકાતનાકા રેલવે ફાટક પાસે સાનિધ્ય પાર્કમાં રહેતાં દિનેશભાઇ પ્રવીણચંદ્ર રાવલ (ઉ.વ.55) ગતરોજ સવારે ઘરે હતાં ત્યારે એટેક આવતાં બેભાન થઈ ઢળી પડ્યા હતાં. જેમને સારવારમાં સિવિલે ખસેડતાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતાં.બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે બી.ડિવિઝન પોલીસને જાણ કરી હતી.મૃતક ત્રણ ભાઈ બહેનમાં મોટા અને સંતાનમાં એક પુત્ર છે.
બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો. ત્રીજા બનાવમાં કાળીપાટમાં રહેતાં દિનેશભાઇ દેવશીભાઈ ચાંડપા (ઉ.વ.55) ગતરોજ ઘરે હતાં ત્યારે કોઈ કારણોસર બેભાન થઈ ઢળી પડ્યા હતાં જેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી.