ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનમાં સુરક્ષિત નથી ! હોટેલ બહાર બેફામ ગોળીબાર

09 December 2022 09:58 AM
India Sports World
  • ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાનમાં સુરક્ષિત નથી ! હોટેલ બહાર બેફામ ગોળીબાર

મુલતાનમાં બનેલી ઘટના: પોલીસે ચારની કરી ધરપકડ: ટીમ સ્ટેડિયમ પર પ્રેક્ટિસ માટે નીકળે તે પહેલાં થયેલા ફાયરિંગથી સૌના શ્વાસ અધ્ધર

નવીદિલ્હી, તા.9
ઈંગ્લેન્ડની ટીમ 17 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે છે. આજથી બન્ને વચ્ચે મુલતાનમાં બીજી ટેસ્ટ મેચ રમાય તે પહેલાં જ ઈંગ્લેન્ડની ટીમ જે હોટેલમાં રોકાઈ છે તેની અત્યંત નજીક ગોળીબાર થયો હોવાનું બહાર આવતાં ખળભળાટ મચી ગયો છે. આ ગોળીબાર સ્થાનિક ગેંગ વચ્ચે થયો હોવાનું અનુમાન છે જેમાં કોઈ જાનહાની થયાના અહેવાલેા નથી. આ ઘટના એ સમયે બની હતી જ્યારે ઈંગ્લેન્ડની ટીમ બીજા ટેસ્ટની તૈયારી માટે હોટેલથી મુલતાન સ્ટેડિયમ જવા માટે નીકળવાની હતી.

પાકિસ્તાન પોલીસ આ ઘટના બાદ આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ છે અને ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થાનિક તંત્રએ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને વિશ્વાસ અપાવ્યો છે કે આ ઘટનાથી ખેલાડીઓની સુરક્ષા ઉપર કોઈ જ અસર પડશે નહીં કેમ કે આ ઘટના જે જગ્યાએ બની છે તે ઈંગ્લેન્ડ ટીમની હોટેલથી એક કિલોમીટર દૂર છે અને ઈંગ્લીશ ટીમના સ્ટેડિયમ આવવા-જવાના રૂટનો હિસ્સો પણ નથી.

આ ઘટના બાદ ઈંગ્લેન્ડની ટીમે પાકિસ્તાન સાથે મુલતાન ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ પણ કરી હતી. ઘટના બાદ રાવલપિંડી સ્ટેડિયમની જેમ જ મુલતાનમાં પણ જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

ઈંગ્લેન્ડની ટીમને પાકિસ્તાનમાં દેશના રાષ્ટ્રપતિ સ્તરની સુરક્ષા આપવામાં આવી છે. ખેલાડીઓની સુરક્ષામાં સ્થાનિક પોલીસ ઉપરાંત સેનાને પણ તૈનાત કરવામાં આવી છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના પ્રવક્તાએ એ વાતની સ્પષ્ટતા કરી છે કે ટીમના સિક્યોરિટી પ્લાનમાં આ ઘટના બાદ કોઈ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલા વર્ષે ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ સુરક્ષાનો હવાલો આપીને પાકિસ્તાનમાં મેચ રમ્યા વગર જ પરત ફરી ગઈ હતી. પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રાવલપિંડીમાં ત્રણ વન-ડે અને લાહોરમાં પાંચ ટી-20 મુકાબલા રમાવાના હતા પરંતુ પહેલી મેચ રમાય તે પહેલાં જ ન્યુઝીલેન્ડની ટીમે રમવાનું ટાળ્યું હતું.


Related News

Advertisement
Advertisement
Advertisement