► સૌરાષ્ટ્રમાં કોંગ્રેસના વિમલ ચુડાસમા રિકાઉન્ટીંગ બાદ 922 મતે જીત્યા : બોટાદમાં ‘આપ’ના ઉમેશ મકવાણા 2779 મતના માર્જીનથી જીત્યા
રાજકોટ,તા. 9
ગુજરાત વિધાનસભામાં આ ચૂંટણીમાં પાતળી સરસાઈથી જીતવામાં ભાજપના રાપરના ઉમેદવાર વિરેન્દ્રસિંહ જાડેજાએ રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ તેઓ કચ્છની મુંદ્રા બેઠકનું પ્રતિનિધિત્વ કરતાં હતા પણ ભાજપે રાપરની બેઠક કોંગ્રેસ પાસેથી ખૂંચવવા માટે વિરેન્દ્રસિંહ જાડેજાને ઉમેદવાર બનાવ્યા હતા અને તેઓ ફક્ત 577 મતે વિજેતા બન્યા છે.
જ્યારે સોમનાથમાં કોંગ્રેસના વિમલ ચુડાસમા ફક્ત 922 મતે અને બોટાદમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર 2779 મતે જીત્યા. પાતળી સરસાઈમાં ચાણમ્યામાં દિનેશ ઠાકોર 1404 મતે, ખેડબ્રહ્મામાં કોંગ્રેસના ડો. તુષાર ચૌધરી 2048 મતે અને દસાડામાં ભાજપના ઉમેદવાર પી.કે. પરમાર 2179 મતે, આંકલાવમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડા 2779 મતે, સિધ્ધપુરમાં ભાજપના બળવંતસિંહ રાજપુત 2814 મતે જીત્યા હતા.
આમ આ ઉમેદવારોએ સૌથી ઓછા મતમાં પણ એક રેકોર્ડ બનાવ્યો છે. બીજી તરફ ભાજપની 15 સીટો એવી છે કે જે જ્યાં 70,000થી 1 લાખ મતોનું અંતરનું જીત માર્જીન રહ્યું છે જેમાં મણીનગર, કામરેજ, પારડી, નરોડા, નારણપુરા, ભાવનગર ગ્રામીણ, રાવપુરા, માંડવી, બારડોલી, આકોટા, દસક્રોઇ, નવસારી, સાબરમતી, સયાજીગંજ અને વડોદરા શહેરની બેઠકો સામેલ છે.