અબ આયેગા મજા: ફિફા વર્લ્ડકપમાં આજથી સેમિફાઈનલની રેસ: 8 ટીમો વચ્ચે થશે ટક્કર

09 December 2022 12:44 PM
India Sports World
  • અબ આયેગા મજા: ફિફા વર્લ્ડકપમાં આજથી સેમિફાઈનલની રેસ: 8 ટીમો વચ્ચે થશે ટક્કર

♦ આજે બ્રાઝીલ-ક્રોએશિયા (રાત્રે 8:30 વાગ્યે), આર્જેન્ટીના-નેધરલેન્ડ (રાત્રે 12:30 વાગ્યે) વચ્ચે ક્વાર્ટર ફાઈનલ મુકાબલા: મોરક્કો, પોર્ટુગલ, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ ટીમો વચ્ચે પણ રમાશે મુકાબલા

♦ ક્વાર્ટરમાં પહોંચેલી ચાર ટીમો વર્લ્ડકપ જીતી ચૂકી છે જ્યારે બાકીની ચાર ટીમો પહેલીવાર ચેમ્પિયન બનવાના ઈરાદા સાથે લગાવી દેશે પૂરી તાકાત: આજે મેસ્સી, નેમાર સહિતના ખેલાડીઓ ઉપર રહેશે સૌની નજર

નવીદિલ્હી, તા.9
કતારમાં રમાઈ રહેલા ફૂટબોલ વર્લ્ડકપમાં નાની ટીમોના મોટા કારનામાનો તબક્કો હવે પૂર્ણ થઈ ચૂક્યો છે. આજથી ટોપ-8 ટીમો વચ્ચે સેમિફાઈનલ માટે મુકાબલા શરૂ થશે જેમાં બ્રાઝીલ, ક્રોએશિયા, નેધરલેન્ડ, આર્જેન્ટીના, મોરક્કો, પોર્ટુગલ, ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ પોતાનો દમ બતાવશે. 92 વર્ષ જૂની આ ટૂર્નામેન્ટની ચાલું સીઝનના ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાં ચાર ટીમો એવી છે જે વર્લ્ડકપ ટાઈટલ જીતી ચૂકી છે.

જ્યારે બાકીની ચાર ટીમોને એકવાર પણ ટ્રોફી ઉઠાવવાની તક મળી નથી. બ્રાઝીલે પાંચ, આર્જેન્ટીનાએ બે વખત ખિતાબ જીત્યો છે. જ્યારે ઈંગ્લેન્ડ અને ફ્રાન્સ એક-એક વાર ચેમ્પિયન બની ચૂક્યું છે. આજે રાત્રે 8:30 વાગ્યાથી બ્રાઝીલ-ક્રોએશિયા વચ્ચે પ્રથમ ક્વાર્ટર ફાઈનલ મુકાબલો રમાશે જ્યારે 12:30 વાગ્યાથી આર્જેન્ટીના-નેધરલેન્ડ વચ્ચે બીજા ક્વાર્ટર ફાઈનલમાં ટક્કર થશે.

પ્રથમ ક્વાર્ટર ફાઈનલ આજે બ્રાઝીલ અને ક્રોએશિયા વચ્ચે રમાશે. આ માત્ર પાંચમીવાર અને આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં ત્રીજીવાર બનશે જ્યારે આ બન્ને દેશો એકબીજા સામે રમવા માટે મેદાને ઉતરશે. બ્રાઝીલે દક્ષિણ કોરિયા ઉપર 4-1થી શાનદાર જીત સાથે ક્વાર્ટરમાં એન્ટ્રી મેળવી છે. બીજી બાજુ ક્રોએશિયાએ પોતાના રાઉન્ડ ઑફ-16 મુકાબલામાં જાપાનને પેનલ્ટી શૂટઆઉટમાં હરાવીને ક્વાર્ટરમાં જગ્યા મેળવી છે. ક્રોએશિયાએ વર્લ્ડકપના સેમિફાઈનલમાં પહોંચવા માટે બ્રાઝીલ ઉપર ઐતિહાસિક જીત મેળવવી જ પડશે.

આર્જેન્ટીના-નેધરલેન્ડની વાત કરવામાં આવે તો બન્ને ટીમો વચ્ચેનો મુકાબલો રોમાંચક બનવાની શક્યતા છે કેમ કે આર્જેન્ટીના પાસે દુનિયાના સૌથી શ્રેષ્ઠ ફોરવર્ડ ખેલાડી છે તો નેધરલેન્ડ પાસે મોર્ડન યુગનો સૌથી મજબૂત ડિફેન્સ ઉપલબ્ધ છે. આર્જેન્ટીના ટીમના સ્ટાર ફોરવર્ડ લિયોનેલ મેસ્સી હવે ડચ દિવાલને તોડવા આગળ વધશે તો તેને ડચ (નેધરલેન્ડ) ટીમના કેપ્ટન વિર્જિલ વાન ડિક તરફથી આકરો પડકાર મળશે.

નેધરલેન્ડ માટે કતારમાં અત્યાર સુધીની સફર સારી રહી છે. તેણે પોતાના ગ્રુપમાં ટોચ પર રહેવાની સાથે અંતિમ-16માં અમેરિકાને સરળતાથી હરાવ્યું હતું. કોડી ગક્પો, મેફિસ ડિપેય જેવા ખેલાડીઓથી સજ્જ નેધરલેન્ડ ટીમ દુનિયાની કોઈ પણ ટીમ ઉપર ભારે પડી શકે છે. જ્યારે આર્જેન્ટીના માટે ટૂર્નામેન્ટની શરૂઆત ઐતિહાસિક ઉલટફેર સાથે થઈ જ્યારે તેણે સઉદી અરબ સામે હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. જો કે ત્યારપછી ટીમે દમદાર પ્રદર્શન કરી ક્વાર્ટર ફાઈનલમાં એન્ટ્રી મેળવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement