નવીદિલ્હી, તા.9
આઈપીએલ લીગ કોઈને કોઈ કારણથી હંમેશા ચર્ચામાં રહેતી જ હોય છે. હવે તે તેના એક નવા નિયમને લઈને ચર્ચામાં આવી ગઈ છે જે નિયમને આગલી સીઝનથી લાગુ કરવામાં આવશે. આ નિયમ ઈમ્પેક્ટ પ્લેયરનો છે જેમાં તમામ ટીમો જરૂર પ્રમાણે કોઈ એક ખેલાડીને મેચ વચ્ચે જ બદલાવી શકશે. આ પ્રકારનોનિયમ ફૂટબોલ સહિતની રમતોમાં અમલી છે.
હવે તેને ક્રિકેટમાં પણ લાગુ કરવામાં આવતાં આઈપીએલ ટીમો ખુશ થઈ ગઈ હતી પરંતુ બીસીસીઆઈએ એક શરત લાગુ કરીને તેમની આ ખુશી છીનવી લીધી હોય તેવું સૌને લાગી રહ્યું છે.
બોર્ડે થોડા દિવસ પહેલાં એલાન કર્યું હતું કે આઈપીએલ-2023 સીઝનથી ઈમ્પેક્ટ પ્લેયર નિયમ લાગુ કરવામાં આવશે જે મુજબ ટીમો મેચ દરમિયાન પોતાની જરૂર પ્રમાણે કોઈ પણ ખેલાડીને બદલાવી શકશે પછી ભલે તે બોલરને બદલે બેટર હોય કે પછી બેટરને બદલે બોલર હોય. બોર્ડે તાજેતરમાં જ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આ નિયમને અજમાવ્યો હતો.
હવે આ નિયમથી સ્પષ્ટ રીતે ટીમને ખુશ કરી દેશે પરંતુ બીસીસીઆઈના ગૂગલથી આઈપીએલની ફ્રેન્ચાઈઝી બોલ્ડ થઈ ગઈ છે. બોર્ડે લાગુ કરેલી શરતમાં કહ્યું કે પ્લેઈંગ ઈલેવનની જગ્યાએ પ્લેઈંગ-12 જણાવવાની રહેશે અને તેમાં 12મો ખેલાડી ભારતીય જ હોવો જોઈએ મતલબ કે કોઈ વિદેશી ખેલાડીની જગ્યાએ વિદેશી ખેલાડીને બોલાવી શકાશે નહીં અને ન તો કોઈ ભારતીય ખેલાડીની જગ્યાએ વિદેશીને સામેલ કરી શકાય.
બીસીસીઆઈના આ નિર્ણયનું સૌથી મોટું કારણ આઈપીએલમાં વિદેશી ખેલાડીઓ સાથે જોડાયેલો સૌથી પાયાગત નિયમ છે. આઈપીએલમાં કોઈ પણ મેચમાં કોઈ પણ ટીમ ચારથી વધુ વિદેશી ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરી શકતી નથી. આ સ્થિતિને જાળવી રાખવા માટે જ આ શરત અમલી બનાવવામાં આવી છે જેથી એક ટીમ વતી ચારથી વધુ વિદેશી ખેલાડી ન રમી શકે.