નવીદિલ્હી, તા.9
ક્રિકેટના મેદાન ઉપર કેચ પકડવાના પ્રયાસમાં ઘણીવાર બે ખેલાડીઓ વચ્ચે ટક્કર થતી જોવા મળી હશે પરંતુ લંકા પ્રીમિયર લીગની એક મેચ દરમિયાન એવી ઘટના બની છે જે કદાચ જ જોવા મળતી હશે. કેન્ડી ફાલ્કન અને ગાલે ગ્લેડિયેટર વચ્ચે રમાયેલી એક મેચ દરમિયાન શ્રીલંકાના ઑલરાઉન્ડર ચમીકા કરુણારત્ને કેચના પ્રયાસમાં ઘાયલ થઈ જતાં તેને હોસ્પિટલે ખસેડવો પડ્યો હતો.
ગાલે ગ્લેડિયેટરની ટીમ પહેલાં બેટિંગ કરી હતી. આ દરમિયાન જ્યારે નુવાનિંદુ ફર્નાન્ડો 13 રનના સ્કોરે બેટિંગ કરી રહ્યો હતો ત્યારે તેણે બ્રેથવેટની બોલિંગમાં હવામાં એક શોટ ફટકાર્યો હતો. બોલની નીચે ચમિકા કરુણારત્ને હતો. તેણે કેચ તો પકડી લીધો પરંતુ આ દરમિયાન તેણે પોતાના ચાર દાંત ગુમાવવા પડ્યા હતા !
આ પછી તેને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો.
બાદમાં કેન્ડી ફાલ્કન ટીમના ડાયરેક્ટરે તેના સાથે જોડાયેલું અપડેટ આપતાં કહ્યું હતું કે કરુણારત્ને એકદમ ઠીક છે અને બાકીની મેચમાં પણ તે રમશે. ક્રિકેટના મેદાન પર આ પ્રકારની અનોખી ઈજાની ઘટના કદાચ જ જોવા મળે છે. ચમિકા ઘાયલ થયો પરંતુ તેની ટીમે પાંચ વિકેટે જીત મેળવી છે. આ મેચમાં તેણે બોલિંગ નહોતી કરી અને બેટિંગ કરવાની પણ તક મળી નહોતી. પહેલા બેટિંગ કરતાં ગાલે ગ્લેડિયેટરની ટીમે 20 ઓવરમાં આઠ વિકેટે 121 રન બનાવ્યા હતા. જવાબમાં કેન્ડી ફાલ્કનની ટીમે માત્ર 15 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.