મુખ્યમંત્રી પદેથી રાજીનામુ સુપ્રત કરતા ભુપેન્દ્ર પટેલ : કાલે ભાજપના ધારાસભ્યોની બેઠક

09 December 2022 03:58 PM
Rajkot Elections 2022 Gujarat Politics
  • મુખ્યમંત્રી પદેથી રાજીનામુ સુપ્રત કરતા ભુપેન્દ્ર પટેલ : કાલે ભાજપના ધારાસભ્યોની બેઠક

ગાંધીનગરમાં સવારે 10 વાગ્યે કમલમ ખાતે મળશે પક્ષના નવા ચૂંટાયેલા ધારાસભ્યો : નેતા પદે ફરી ભૂપેન્દ્ર પટેલની વરણી થશે

રાજકોટ,તા. 9
ગુજરાતમાં નવી સરકારની રચનાની પ્રક્રિયા તેજ થઇ ગઇ છે અને તા. 12ની શપથવિધિ પૂર્વે આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઔપચારિકતા નીભાવતા તેમની સરકારનું રાજીનામુ રાજ્યપાલ શ્રી દેવવ્રત આચાર્યને સુપ્રત કરી દીધું છે અને હવે આવતીકાલે ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક સવારે 10 વાગ્યે કમલમ ખાતે યોજાશે અને તેમાં પક્ષના ધારાસભ્યોના નવા નેતા ચૂંટી કઢાશે અને બાદમાં નવી સરકાર રચવાનો દાવો કરવામાં આવશે.

રાજ્યમાં અગાઉ જ જાહેર થયા પ્રમાણે ભુપેન્દ્ર પટેલ ફરી મુખ્યમંત્રી બનશે તે નિશ્ચિત છે અને આવતીકાલે તેમની ધારાસભા પક્ષના નેતા તરીકે વરણી થયા બાદ તેઓ સરકાર રચવા માટે દાવો કરશે અને તા. 12ના સવારે નવું મંત્રી મંડળ શપથ લેશે જે માટે વિધાનસભા સંકુલની પાછળ હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે જબરી તૈયારી શરુ થઇ ગઇ છે.

જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહેશે અને તે માટે પણ ગાંધીનગરમાં જબરી તૈયારી થઇ ગઇ છે. આજે સાંજથી જ ભાજપના ધારાસભ્યો ગાંધીનગર પહોંચવાનું શરુ થશે અને બાદમાં તેઓ વિધાનસભા સંકુલ ખાતે જઇ નવા ઓળખપત્ર સહિતનું સાહિત્ય મેળવશે. વિધાનસભા પક્ષની બેઠકમાં પક્ષના નિરીક્ષક તરીકે પણ કેન્દ્રીય નેતાઓ આવશે તેમ માનવામાં આવે છે આ માટે ટૂંક સમયમાં જ જાહેરાત થશે.

કાલે બપોરે 2 વાગ્યે સરકાર રચવાનો દાવો કરાશે
ગુજરાતમાં નવી સરકારની રચના માટેની પ્રક્રિયામાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આવતીકાલે બપોરે બે વાગ્યે રાજ્યપાલનો સમય માગ્યો છે અને તેમાં શપથવિધિની તારીખ અને સમય નક્કી કરવામાં આવશે અને તેની સાથે જ વિધાનસભામાં ભાજપના નેતા પદે શ્રી ભુપેન્દ્ર પટેલની વરણી અંગેનો પત્ર પણ સુપ્રત કરાશે અને બાદમાં નવી સરકારની રચના માટેનો દાવો પણ કરવામાં આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement