સીમલા,તા. 9
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના ભવ્ય વિજય બાદ હવે મુખ્યમંત્રી પદ માટે સ્પર્ધા શરુ થઇ ગઇ છે અને સૌથી મોટો દાવો પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ પ્રતિભાસિંહે કર્યો છે અને જણાવ્યું કે રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે વીરભદ્રસિંહ પરિવારની ઉપેક્ષા કરી શકાય નહીં. છ વખત મુખ્યમંત્રી રહી ચૂકેલા સ્વ. વીરભદ્રસિંહના પુત્ર અને સીમલાના ગ્રામીણ ક્ષેત્રમાંથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમાદિત્યસિંહ સહિત અનેક નામો ચર્ચામાં છે.
કોંગ્રેસ પક્ષે તેના ધારાસભ્યોની બેઠક માટે નિરીક્ષક પણ મોકલ્યા છે પરંતુ તે પૂર્વે જ પ્રતિભાસિંહે અમારા પરિવારની અપેક્ષા થઇ શકશે નહીં તેવો બોંબ ફોડીને કોંગ્રેસ મોવડી મંડળને સાવધ કરી દીધું છે. આજે બપોરે 3 વાગ્યે કોંગ્રેસના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક મળવાની છે. હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસને 68 બેઠકોની વિધાનસભામાં સ્પષ્ટ રીતે 40 બેઠકો સાથે બહુમતી મળી છે.
આજની બેઠકમાં કોંગ્રેસના પ્રભારી રાજીવ શુક્લા અને ભૂપેશ બધેલ તેમજ ભૂપેન્દ્ર હુડ્ડા હાજર રહેશે. વીરભદ્રસિંહે હીમાચલમાં કોંગ્રેસના શાસનને મજબૂત બનાવ્યું હતું અને હવે તેના પરિવારમાંથી પ્રતિભાસિંહ કે જેઓ સાંસદ છે તેઓ પોતે અથવા તેમના પુત્રને મુખ્યમંત્રી બનાવવા માગે છે. પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સુખવિન્દરસિંહ અને વિપક્ષના નેતા મુકેશ અગ્નિહોત્રી પણ આ પદના દાવેદાર છે.
આ વચ્ચે કોંગ્રેસ મોવડી મંડળ માટે નિર્ણય લેવો મુશ્કેલ બનશે પરંતુ જો મુખ્યમંત્રી પદનો નિર્ણય તાત્કાલીક ન લેવાય તો ભાજપ ટાંપીને બેઠુ હોવાના સંકેત છે અને કોંગ્રેસ મોવડી મંડળે તેમાં હવે ધારાસભ્યોને એક અવાજે મોવડી મંડળ પર નિર્ણય લેવા છોડાવે તેવા સંકેત છે.
હિમાચલમાં ખુદનું બુથ પણ અનુરાગ ઠાકુર બચાવી ન શક્યા
હિમાચલમાં વિધાનસભા ચૂંટણીમાં ખુદને મુખ્યમંત્રી પદ માટે આગળ ધરવા તૈયાર રહેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને તેમના જ હમીરપુરમાં જબરો ફટકો લાગ્યો છે. તમામ પાંચ બેઠકોમાં ભાજપ હારી ગયું છે એટલું જ નહીં પણ અનુરાગ ઠાકુરના મતદાન મથકનું બૂથમાં પણ ભાજપનો કારમો પરાજય થયો છે. અગાઉ પ્રચાર સમયે અનુરાગે તેના પિતા અને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. પ્રેમકુમાર ધૂમલને યાદ કરી આંસુ સાર્યા હતા પરંતુ મતદારોએ એ તેમના હોમ ટફ પર પણ મત આપ્યા નથી.