‘સતર્ક-સમર્થ-સશક્ત’ પોલીસ લોકસાહિત્યકાર દેવાયત ખવડને પકડવામાં સદંતર નિષ્ફળ !!

09 December 2022 05:00 PM
Rajkot Crime
  • ‘સતર્ક-સમર્થ-સશક્ત’ પોલીસ લોકસાહિત્યકાર દેવાયત ખવડને પકડવામાં સદંતર નિષ્ફળ !!
  • ‘સતર્ક-સમર્થ-સશક્ત’ પોલીસ લોકસાહિત્યકાર દેવાયત ખવડને પકડવામાં સદંતર નિષ્ફળ !!

♦ ગરાસિયા યુવાન પર સર્વેશ્વર ચોકમાં સરાજાહેર હુમલો કરી હત્યાના પ્રયાસની ઘટનાને ત્રણ-ત્રણ દિ’ વીતી ગયા છતાં હજુ સુધી પોલીસ દેવાયત સુધી પહોંચી શકી નથી: દેવાયત રિઢો ગુનેગાર હોય તેવી રીતે પોલીસને ચકમો આપવામાં સફળ

રાજકોટ, તા.9
મૂછ ઉપર લીંબુ લટકાવીને ફરતા, કાયદો-વ્યવસ્થાને ગમે ત્યારે હાથમાં લઈ લોકોને રંજાડતાં ભલભલા ગુનેગારોને ભોંભીતર કરી દેવા માટે જાણીતી રાજકોટની પોલીસ જાણે કે લોકસાહિત્યકાર કક્ષાના એક વ્યક્તિ સુધી પોતાની પહોંચ બનાવી શકવામાં નિષ્ફળ જઈ રહી હોય તેવું અત્યારે શહેરીજનોને લાગી રહ્યું છે. ત્રણ દિવસ પહેલાં બપોરના અરસામાં સર્વેશ્વર ચોકમાં ગરાસિયા યુવાન પર જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેની સાથે રહેલા બે શખ્સોને પોલીસ હજુ સુધી પકડી નહીં શકતાં પોલીસની સતર્કતા, સમર્થતા અને સશક્તતા ઉપર સવાલો ઉઠવાનું શરૂ થઈ ચૂક્યું છે.

ગરાસિયા યુવાન મયુરસિંહ સંપતસિંહ રાણાને સર્વેશ્વર ચોક પાસે આંતરીને દેવાયત ખવડ અને તેની સાથે રહેલો એક શખ્સ પાઈપ લઈને તૂટી પડ્યા હતા. આ વેળાએ ગાડીમાં એક શખ્સ બેઠો રહ્યો હતો. ઘટના બન્યા બાદ એ-ડિવિઝન પોલીસ મથકમાં દેવાયત, તેની સાથે રહેલા બે શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો પરંતુ હજુ સુધી દેવાયતની ધરપકડ કરવામાં નહીં આવતાં યુવાનના પરિવારજનોની ધીરજ ખૂટી રહી છે. બીજી બાજુ આ મામલાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ત્યારે હજુ સુધી ક્રાઈમ બ્રાન્ચ પણ દેવાયતને શોધી નહીં શકતાં શું દેવાયત ખવડ રિઢા ગુનેગારની જેમ પોલીસને ચકમો આપવામાં સફળ નિવડ્યો છે તેવા સવાલો ઉઠ્યા વગર રહેતા નથી. દરમિયાન આજે વિષ્ણુવિહાર સોસાયટીમાં રહેતાં મહિલા રહેવાસીઓએ પોલીસ કમિશનરને સંબોધીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું કે લોકસાહિત્યકાર દેવાયત ખવડ તેમજ તેના સાગરિતો વિરુદ્ધ અગાઉ પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી.

દેવાયત ખવડને ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઘરોબો હોવાથી તેમજ અમુક પોલીસ કર્મચારીઓ સાથે તેની સાંઠગાંઠ હોવાને કારણે તે આ પ્રકારના જુલ્મ ગુજારી રહ્યો છે તેથી પોલીસે તટસ્થ બનીને દેવાયત ખવડ સામે પાસા સહિતની કાર્યવાહી કરવા તેમજ તેનો હથિયાર પરવાનો રદ્દ કરવો જરૂરી બની જાય છે. સાથે સાથે આવા ગંભીર બનાવમાં તેની મદદગારી કરનારા અધિકારીઓ કે અન્ય કોઈ શખ્સો સામેલ હોય તો તેની સામે પણ કાર્યવાહી કરવી જરૂરી છે. આ ઉપરાંત રાજકોટના મીડિયા કર્મીઓ દ્વારા પણ દેવાયત ખવડની તાત્કાલિક ધરપકડ કરવા અને તેની સામે કાર્યવાહી કરવામાં પોલીસ તટસ્થતા રાખે તે માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જો દેવાયત બે દિવસમાં પકડાશે નહીં તો કમિશનર કચેરીમાં જ મહિલાઓ કરશે અન્ન-જળનો ત્યાગ
પોલીસ કમિશનરને પાઠવેલા આવેદનપત્રમાં એમ પણ જણાવાયું છે કે જો બે દિવસની અંદર દેવાયત ખવડ અને તેના સાગરિતોની ધરપકડ કરવામાં નહીં આવે તો પોલીસ કમિશનર કચેરીમાં જ પીડિત યુવકના પરિવારજનો તેમજ સોસાયટીના લોકો અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ આંદોલન શરૂ કરશે અને જરૂર પડશે તો ન્યાય મેળવવા માટે નાછૂટકે કોર્ટનો આશરો લેવામાં આવશે.


Related News

Advertisement
Advertisement
Advertisement