રાજકોટના મતદારોએ જ ગ્રામ્ય તથા વાંકાનેરની બેઠકો ભાજપને જીતાડી

09 December 2022 05:13 PM
Morbi Elections 2022 Politics Rajkot
  • રાજકોટના મતદારોએ જ ગ્રામ્ય તથા વાંકાનેરની બેઠકો ભાજપને જીતાડી

► પીરઝાદા-કોંગ્રેસનો ગઢ ગણાતી વાંકાનેરની બેઠક ભાજપ 20 વર્ષે જીત્યુ

► રાજકોટ-ગ્રામ્ય બેઠકમાં 2017નુ જ પુનરાવર્તન: સીટીના વોર્ડમાં જ અંદાજીત 43000ની લીડ મેળવી; ગામડાઓમાં મોટી સરસાઈ ન મળી: પ્રદીપ ડવ- ભૂપત બોદરને જશ

► વાંકાનેરમાં જીતુ સોમાણીને જીતાડવામાં ઘંટેશ્ર્વર-માધાપરના 42 ગામડાઓએ રંગ રાખ્યો; 31474માંથી 22000 કરતા વધુ મત આપ્યા: વાંકાનેર સીટીમાં ખાધ જ રહી: ઘોઘુભા તથા ભાજપની ટીમનો મોટો રોલ

રાજકોટ,તા.9
વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો ઐતિહાસિક વિજય થયો હતો અને તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કરિશ્મા જ કામ કરી ગયો હોવાની સ્પષ્ટ છાપ છતાં કેટલીક બેઠકોમાં જીતના કારણો અને તારણો રસપ્રદ બન્યા છે. 2017ની જેમ આ વખતે પણ મહાનગરો ભાજપમય જ રહ્યા હતા અને આ શહેરી મતદારોને શહેરને જોડતી બેઠકોમાં પણ ભાજપને જીતાડવામાં શહેરી મતદારોએ જ નિર્ણાયક ભાગ ભજવ્યો હતો.

રાજકોટ ગ્રામ્ય તથા વાંકાનેરની બેઠકોમાં ભાજપની જીતમાં રાજકોટના મતદારોનો મોટો રોલ રહ્યો છે. રાજકોટ ગ્રામ્ય (71) બેઠકને લાગેવળગે છે ત્યાં સુધી ભાજપના ઉમેદવાર ભાનુબેન બાબરીયા 48000 કરતા વધુ મતે વિજેતા બન્યા હતા. મતનું વિશ્લેષણ કરતા એવા સંકેત છે કે 43000 મતથી વધુની લીડ રાજકોટના મતદારોએ આપી છે. રાજકોટના પાંચ વોર્ડ આ મતક્ષેત્રમાં આવે છે. ગામડાઓની સરસાઈ સાવ મામુલી હતી. ગ્રામ્યના અમુક આગેવાનો વિરુદ્ધમાં હતા અને આવા આગેવાનોના ગામોમાંથી ભાજપને મત નહીં મળતા લીડને અસર થઈ હતી પરંતુ શહેરી મતદારોએ ‘વટક’ વાળી દીધુ હતું.

રાજકોટ ગ્રામ્યની આ બેઠકમાં 2017નું જ પુનરાવર્તન ગણાય છે. 2017માં લાખાભાઈ સાગઠીયાની જીતમાં શહેરી મતદારો જ નિર્ણાયક બન્યા હતા. આ વખતે આમ આદમી પાર્ટી પણ મેદાને હતી. ગત વખતે કોંગ્રેસમાંથી લડીને માત્ર 2200 મતે હારનારા વશરામ સાગઠીયા આપના ઉમેદવાર હતા. ત્રિપાંખીયા જંગમાં ભાજપ માટે આ બેઠક જોખમી હોવાનું ખુદ ભાજપના જ કેટલાંક આગેવાનો માનતા હતા અને એટલે લીડ વિશે વિચારતા ન હતા તેના બદલે જંગી લીડથી નેતાઓ પણ મોઢામાં આંગળા નાખી ગયા છે. શહેરી મતદારોએ જ આ સીટ જીતાડવાનું સ્પષ્ટ છે.

આ સિવાય વાંકાનેર બેઠક ભાજપને મળવા પાછળ પણ રાજકોટના જ મતદારો નિર્ણાયક બન્યા હતા. વાંકાનેર મતક્ષેત્રમાં રાજકોટને સીમાડે અડીને આવેલા ઘંટેશ્વર- માધાપર સહિતના 42 ગામો આવે છે અને તેમાં 90 બૂથ હતા. વાંકાનેર બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ હતી. ગમે તેવા ‘વેવ’ વખતે પણ કોંગ્રેસના જાવિદ મોહમ્મદ પીરઝાદા જીતતા હતા. પરંતુ આ વખતે રાજકોટના મતદારોએ ભાજપના જીતુ સોમાણીને જીતાડવામાં મોટો ભાગ ભજવ્યો હતો.

વાંકાનેરની આ બેઠકમાં આવતા રાજકોટના ગામડાઓનું 314747 મતદાન થયુ હતું. તેમાંથી 22000થી વધુ મત માત્ર ભાજપને મળ્યા હતા. કોંગ્રેસને ફાળે માત્ર 8090 મત ગયા હતા. રાજકોટમાંથી મોટી લીડ આવતા વાંકાનેર સીટી તથા ગામડાઓ પરનુ ભારણ ઓછુ થયુ હતું. વાસ્તવમાં વાંકાનેર પંથકમાં તો થોડીઘણી ખાધ અથવા લગોલગ જ હતા. ઘંટેશ્વર-માધાપરની લીડ 2017માં 2500 મતની હતી તે આ વખતે 10000 પર પહોંચી હતી.

રાજકોટ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘોઘુભાઈ તથા તાલુકા ભાજપની ટીમે ખૂબ મોટો ભાગ ભજવ્યો હતો;. ચુવાડીયા કોળી તથ પાટીદારોનું મતદાન ભાજપ તરફી થયાનું કહેવાય છે. ‘આપ’ના કોળી જ્ઞાતિના ઉમેદવાર મોટા મત ખેંચી ગયા હતા. પરંતુ દર ચૂંટણીમાં આવા ખેલ થતા જ હોય છે અને દરવખત જેટલા જ મત ખેંચાયા હતા. અગાઉ અપક્ષ ઉમેદવાર આ રીતે મત લઈ જતા હતા. વાંકાનેરની બેઠક કાયમી ધોરણે કોંગ્રેસનો ગઢ ગણાય છે. 2002માં જીતુ સોમાણીના પત્ની ચૂંટાયા હતા. બાકી મોટાભાગે કોંગ્રેસના પિરઝાદા જ જીતતા હતા.

રાજકોટની એક બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ‘જીત’ના સટ્ટામાં 3 કરોડ હારી ગયા
રાજકોટ જીલ્લાની આઠેય વિધાનસભા બેઠકોમાં ભાજપનો જયજયકાર થયો હતો અને ભાજપના ઉમેદવારો જંગી લીડથી જીત્યા છે. ચૂંટણીમાં જીતનો વિશ્ર્વાસ દરેક ઉમેદવારને હોય તે સ્વાભાવિક છે. પરંતુ જીલ્લાની એક બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પોતાની જીતને પાકી જ ગણતા હતા અને પોતાની જીત પર 3 કરોડનો સટ્ટો ખેલી નાખ્યો હતો. પરંતુ હાર થવાને પગલે નાણાં ગુમાવવાનો વખત આવ્યો છે.

કોંગ્રેસમાં સ્ટ્રોંગ અને લડાયક ગણાતા તથા ધારાસભ્યપદ ભોગવી ચૂકેલા આ ધારાસભ્યને પોતાની જીતનો પુરેપુરો વિશ્ર્વાસ હતો. રાજકોટની નજીકની આ બેઠકમાં ચૂંટણી જંગ પણ રસપ્રદ હતો. જીતના વિશ્ર્વાસ સાથે કોંગ્રેસના ઉમેદવારે 5 લાખથી માંડીને 50 લાખ કે તેથી વધુના જુદા-જુદા દાવ ખેલ્યા હતા. પરિણામ અગાઉ રાજકીય પક્ષો- નિષ્ણાંતો પણ આ બેઠકને ફાઈટવાળી જ ગણતા હતા પરંતુ કોંગ્રેસ ઉમેદવાર પરાજીત થયા હતા.

જવાહર ચાવડાનો પરાજય આંચકાજનક: વ્યક્તિગત તાકાતથી ઉભો કરેલો ગઢ ધરાશાયી
ગુજરાતની કેટલીક બેઠકના ઉમેદવારોની જીત પાછળ વ્યક્તિગત તાકાત હોય છે. આવી એક બેઠક માણાવદર છે. જવાહર ચાવડાનો ગઢ ગણાતો હતો. અગાઉ તેઓ કોંગ્રેસમાં હતા. ભાજપના મોજામાં પણ તેઓ કોંગ્રેસમાંથી ચુંટાતા હતા. સ્વબળે જ રાજકીય વર્ચસ્વ યથાવત હતું. પરંતુ આ વખતે ગઢ ધસી પડ્યો હતો. આ વખતે તો અંગત તાકાત તથા મોદીનો કરિશ્મા છતાં તેઓ જીતી શકયા ન હતા. જવાહર ચાવડાની હાર રાજકીય રીતે આંચકાજનક ગણાય છે.

જસદણમાં ભાજપને ‘આપ’થી લાભ: આંતરિક વિરોધીઓના ખેલ નાકામ
જસદણ વિધાનસભા બેઠકમાં દિગ્ગજ કોળી નેતા કુંવરજી બાવળીયા ભાજપના ઉમેદવાર હતા તેમને હરાવવા માટે ભાજપના જ આંતરિક વિરોધીઓ મેદાને હતા. ઓડીયો કલીપ વાઈરલ થઈ હતી. ખુદ કુંવરજી બાવળીયાએ પણ ગજેન્દ્ર રામાણી સહિતના અર્ધો ડઝન આગેવાનો સામે આંગળી ચીંધીને પ્રદેશને રીપોર્ટ પણ કર્યો હતો. ભાજપ માટે આ બેઠક જોખમી હોવાનું ખુદ ભાજપ અને કોંગ્રેસના આગેવાનો પણ માનતા હતા પરંતુ ‘આપ’ના મત વિભાજનથી કુંવરજી બાવળીયાને લાભ થઈ ગયો હતો. આપ મોટા મત ખેંચી જતા ભાજપની જીત સરળ થઈ ગઈ હતી.

ગોંડલમાં હરિફોના કોઇ ‘તર્ક’ ન ચાલ્યા : ‘થઇ ગયું તેને ભુલી જાઓ’ની માનસિકતા તથા ભાજપ- જયરાજસિંહનું નેટવર્ક કામ કરી ગયું
ગોંડલ વિધાનસભા બેઠક આ વખતે ‘ગરમીવાળી’ બની હતી. ટીકીટ માટે જયરાજસિંહ તથા રીબડા ગ્રુપ વચ્ચેની લડાઈ ચરમસીમાએ પહોંચી હતી અને ત્યારબાદ જીતવા-હરાવવાના હાકલા-પડકારા પણ થયા હતા. રીબડા ગ્રુપ-અનિરુધ્ધસિંહે ખુલ્લેઆમ કોંગ્રેસને જીતાડવાનું એલાન કર્યું હતું. કોંગ્રેસમાંથી યતિશ દેસાઈ ઉભા હોવાથી સર્વણોના મત કપાવાની, મતદાનમાં કોઇ ખેલ નહીં પડવાની સહિતની ગણતરી-તર્ક વ્યક્ત થયા હતા અને એક વર્ગ અણધાર્યા પરિણામની ગણતરી રાખતો હતો પરંતુ તેમાં કાંઇ થયું નહતું. જયરાજસિંહ જાડેજાનું ખુદનુું નેટવર્ક, ભાજપનું નેટવર્ક, ભાજપ પ્રત્યેનો મતદારોનો ઝોક કામ કરી ગયો હતો.

એમ કહેવાય છે કે, ભુણાવામાં જયરાજસિંહના તોફાની ભાષણ બાદ ‘થઇ ગયું તે ભુલી જાવ-નવી ઘોડી નવો દાવ’ની વાત આવી હતી. એક જૂથે વિરુધ્ધમાં કામ કરવાની ના કહી દીધી હતી. ભુણાવામાં 670માંથી ભાજપને 600થી વધુ મત મળ્યા હતા. કોંગ્રેસને માત્ર 58 મત મળ્યાનું સૂચક છે. જયરાજસિંહ જુથનો દાવો છે કે ભુણાવા-રીબડા પટ્ટીમાં જ 10,000થી વધુ મતની લીડ મળી હતી. રસપ્રદ વાત એ છે કે 2017માં કોંગ્રેસના અર્જુન ખાટરીયાને 56000 મત મળ્યા હતા. આ વખતે કોંગ્રેસને તેટલા મત પણ મળ્યા ન હતાં.

ટંકારામાં પડધરીની લીડે ભાજપ ઉમેદવારે તારી દીધા
મોરબી જીલ્લામાં આવતી પડધરી-ટંકારા બેઠકનું રાજકીય વિશ્લેષણ પણ રસપ્રદ છે. 2017માં પાટીદાર અનામત આંદોલનના જોરે કોંગ્રેસના લલીત કગથરા વિજેતા થયા હતા અને તે પછી પાર્ટીમાં વજન પણ ઘણુ વધ્યું હતું. આ વખતે તેઓને ફરી રીપીટ કરવામાં આવ્યા હતા પરંતુ ભાજપના દુર્લભજી દેથરીયા 10243 મતોની સરસાાઈથી જીત્યા હતા.

સુત્રોના કહેવા પ્રમાણે પડધરીમાંથી 2000 કરતા વધુ મતોની સરસાઈએ ભાજપ ઉમેદવારને તારી દીધા હતા. 2017માં આ ક્ષેત્રમાં ભાજપને 7000 મતની ખાધ હતી. આ વખતે મોરબીના ગામડાઓમાંથી 10,000ની લીડ મળી હતી. જ્યારે ટંકારામાંથી 1500 મતની ખાધ હતી.

જાણકારોના કહેવા પ્રમાણે પડધરી-ટંકારા બેઠક ભાજપનો જ ગઢ ગણાય છે. 2017માં પાટીદાર આંદોલન તથા આંતરિક વિરોધથી ભાજપે ગુમાવી હતી. પડધરીએ મોટો ભાગ ભજવ્યો હતો. આ વખતે પડધરીએ જ બાજી સુધારી લીધી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement