♦ મુલત્વી રહેલી પ્રક્રિયા હાથ ધરવા 30 લાખથી વધુ લોકોને તાલીમ સહિતની કામગીરીનો હજુ પ્રારંભ થયો નથી
નવી દિલ્હી તા.9
કેન્દ્ર સરકાર 2024ની લોકસભા ચૂંટણી પુર્વે વસ્તી ગણતરીની કવાયત હાથ ધરે તેવી શકયતા નહીવત છે. 2011માં વસ્તી ગણતરીનો કાર્યક્રમ નિશ્ચિત થયો હતો પરંતુ જે રીતે તે સમયે કોરોનાની વ્યાપક અસર દેશભરમાં હતી તેથી આ વસ્તીગણતરી મુલત્વી રાખવામાં આવી હતી અને હવે સરકાર 2024ની લોકસભા ચૂંટણી પુર્વે વસ્તી ગણતરીની પ્રક્રિયા હાથ ધરે તેવી શકયતા નહીવત છે.
ટોચના સૂત્રોના જણાવ્યા મુજબ ઘરે ઘરે જઈને દરેક પરિવાર અને વ્યક્તિની માહિતી લેવી તેમજ તેના ડેટા ભેગા કરવા અને તેના પત્રકો તૈયાર કરવા આ તમામ કામગીરી માટે દેશભરમાં 30 લાખ લોકોને તાલીમ આપવાની જરૂર રહે છે પરંતુ હજુ સુધી આ માટે કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી.
સરકારે વસ્તી ગણતરીનો સમય આગળ વધારીને એપ્રિલ 2023 કર્યો હતો પરંતુ આગામી વર્ષે પણ જો વસ્તી ગણતરી પ્રક્રિયા હાથ ધરવી હોય તો તે પ્રક્રિયા અને લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે મુશ્કેલી ઉભી થાય તેમ છે. કેન્દ્ર સરકાર દ્વારા હવે 2024ની લોકસભા ચૂંટણી બાદ જ વસ્તી ગણતરી હાથ ધરાય તે શકય છે.