રાજકોટની ચારે બેઠક પર જંગી લીડ : પડદા પાછળના માસ્ટર માઇન્ડે અસંતોષને પણ ડામી દીધો

09 December 2022 05:36 PM
Rajkot Politics
  • રાજકોટની ચારે બેઠક પર જંગી લીડ : પડદા પાછળના માસ્ટર માઇન્ડે અસંતોષને પણ ડામી દીધો
  • રાજકોટની ચારે બેઠક પર જંગી લીડ : પડદા પાછળના માસ્ટર માઇન્ડે અસંતોષને પણ ડામી દીધો
  • રાજકોટની ચારે બેઠક પર જંગી લીડ : પડદા પાછળના માસ્ટર માઇન્ડે અસંતોષને પણ ડામી દીધો

♦ પૂર્વમાં ઉદય કાનગડે ઉંધે માથે મહેનત કરવી પડી : પૂર્વ ધારાસભ્ય રમેશ રૂપાપરાના વ્યુહ ફરી સફળ

♦ પશ્ચિમમાં ડો.દર્શિતાબેનને જંગી લીડ આપી મતદારોએ ગઢ વધુ મજબુત કર્યો : આરએસએસની મહત્વની ભૂમિકા

♦ દક્ષિણમાં રમેશભાઇ ટીલાળાએ પોતાના સમાંતર કાર્યાલય, ઉદ્યોગપતિઓના નેટવર્ક, સંપર્કના જબરદસ્ત નેટવર્ક ગોઠવ્યા

♦ ગ્રામ્યમાં ભાનુબેનનો ત્રિપાંખીયા જંગમાં મજબુત વિજય : ડો.પ્રદીપ ડવ અને ભુપતભાઇ બોદરે મત ભાંગવા ન દીધા

રાજકોટ, તા. 9
વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટની ચારેચાર બેઠક પર ભાજપના ઉમેદવારોનો જંગી લીડ સાથે વિજય થયો છે. અગાઉના તમામ ચૂંટણી વર્ષો કરતા ભાજપને મળેલી સરસાઇ જેટલી જ ચર્ચા આટલી સફળતા માટે મહેનત કરનાર માસ્ટર માઇન્ડની થઇ છે અને કેટલેક અંશે અસંતોષ વચ્ચે પણ રણનીતિ સફળ બનાવનાર નેતાઓ પ્રદેશ ભાજપના અભિનંદનના હકકદાર બન્યા છે.

રાજકોટના ઇતિહાસની સૌથી મોટી લીડ 2022 ની ચૂંટણીમાં નીકળી છે. નવા ચહેરા, આંતરીક જુથવાદ, અમુક મોટા નેતાઓની નિષ્ક્રિયતા, કેટલાક અંશે વિરોધમાં કામ કરવાની પ્રવૃત્તિ છતાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નામે મતની વર્ષા કમળ પર થઇ અને વડાપ્રધાને કહ્યું હતું તેમ આ ચૂંટણી સીધા ગુજરાતના લોકો જ લડયા.. છતાં રાજકોટમાં વધુ પ્રમાણમાં ચિંતા સાથે મહેનત કરવી પડી હોય, આ બાબત ભાજપ લોબીમાં હજુ ચર્ચામાં જ છે.

રાજકોટ-68માં પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણીને પડતા મુકીને પૂર્વ મેયર ઉદય કાનગડને ભાજપે ટીકીટ આપી હતી. તો સામે કોંગ્રેસે પણ વજનદાર અને મજબુત એવા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરૂને મેદાનમાં ઉતાર્યા હતા. આ બેઠક પર પૂર્વ ધારાસભ્યની ટીકીટ કપાતા પાટીદારો નારાજ થશે તેવી હવા ફેલાતી હતી. આમ છતાં છેલ્લી ત્રણ ચૂંટણીની સૌથી વધુ 25 હજારથી વધુની લીડ લઇને ઉદય કાનગડ રાજકોટ પૂર્વમાં સડસડાટ નીકળી ગયા છે. છતાં કોંગ્રેસ અને આપના મતનો સરવાળો ભાજપના મતથી વધુ હોય, આપના ઉમેદવાર રાહુલ ભુવાએ કોંગ્રેસને નુકસાન અને ભાજપને અમુક અંશે ફાયદો કરવાનું ગણિત અમુક પંડિતો માને છે.

આ બેઠક પરના જ પૂર્વ ધારાસભ્ય અને ચૂંટણીના માહેર રમેશભાઇ રૂપાપરાએ છેલ્લા દિવસોમાં સીધો કેમ્પ કર્યો હતો. પાટીદાર સહિતના સમાજના મત ભાજપથી દુર ન થાય તે માટે બેઠકો કરી હતી. ચૂંટણીના ત્રણ દિવસ પહેલા તેમની પુત્રીના લગ્ન હતા. છતાં લગ્ન પ્રસંગ અને ચૂંટણીના પ્રસંગ બંને ઉપર પુરૂ ધ્યાન આપ્યું હતું. ઉદયભાઇ કાનગડના મિત્ર ભાવેશ તળાવીયા અને તેમની અન્ય ટીમો પણ કામે લાગી હતી. જેનું સફળ પરિણામ મળ્યું છે.

રાજકોટ-69 પશ્ચિમ બેઠક પર સૌરાષ્ટ્રના ઇતિહાસની સૌથી મોટી 1.05 લાખ મતની લીડ સાથે ચૂંટાયેલા ડે.મેયર ડો.દર્શિતાબેન શાહનું નામ પૂરા રાજયમાં ગુંજયું છે. આ બેઠક પરથી અગાઉ નરેન્દ્રભાઇ મોદી, વજુભાઇ વાળા, વિજયભાઇ રૂપાણી ચૂંટણી લડી ચૂકયા છે. ભાજપ કયારેય હાર્યો ન હોય તેવી આ બેઠક પર સીનીયરોની બીજી કેડર પણ ચૂંટણી લડવા માટે થનગનતી હતી. પરંતુ દર્શિતાબેનનું નામ જાહેર થતા ઇન્ચાર્જ સહિતના આ બેઠકના ટીકીટના દાવેદારો આઘાતમાં પડી ગયા હતા. આ વિસ્તારના મતદારોએ ભાજપનો ગઢ વધુ મજબુત બનાવતા સ્વચ્છ પ્રતિભાવાળા તબીબ ડો.દર્શિતાબેન શાહને વિક્રમી લીડ અપાવી નારાજ ચહેરાઓને ધરાર ખુશી વ્યકત કરતા કરી દીધા છે. આ બેઠક પર આરએસએસના વર્ષો જુના આગેવાનો, સ્વયંસેવકો સહિતની ટીમોએ પણ મત વિસ્તારોમાં ઘર ઘર સુધી પહોંચી ચિંતાની વાત ભૂલાવી દીધી હતી.

રાજકોટ-70માં ઉદ્યોગપતિ રમેશભાઇ ટીલાળા માટે પાર્ટી અને તેમના ઔદ્યોગિક ગ્રુપે ગોઠવેલું મેનેજમેન્ટ અને ટીમ વર્ક ખુબ જ શાંતિથી સફળ થયું હતું. આ બેઠક ઉપર 77 હજાર મતની લીડ અસંતુષ્ટોને લપડાક જેવી બની છે. ભકિતનગર સર્કલે મુખ્ય ચૂંટણી કાર્યાલય ઉપરાંત ‘અવધ’ ખાતેની તેમની ચાર માળની ઓફિસ પણ પ્લાનીંગ, પેપર વર્ક, પ્રચાર માટે ર4 કલાક ધમધમી હતી. ઘરે ઘરે સંપર્ક સહિતના તેમના આયોજન સફળ થયા હતા.

ઉદ્યોગપતિઓના એક મોટા સમુહે તેમને નિ:સ્વાર્થ સમર્થન આપી વિજય નિશ્ચિત કર્યો હતો.રાજકોટ-71માં ભાનુબેન બાબરીયા ત્રિપાંખીયા જંગમાં પણ અર્ધો લાખ જેટલા મતની લીડ સાથે ચૂંટાઇ આવ્યા છે. અહીં કોંગ્રેસ તો ત્રીજા ક્રમે રહી ગઇ છે. આપના વશરામભાઇ સાગઠીયા બીજા ક્રમે રહ્યા હતા. ભાનુબેન બાબરીયાનો ત્રીજી વખત સરળ વિજય થયો છે. જે માટે શહેરના વોર્ડમાં ઇન્ચાર્જ મેયર ડો.પ્રદીપ ડવ, ગ્રામ્યમાં જિ.પં. પ્રમુખ ભુપત બોદરની મહેનતે પણ રંગ રાખ્યો હતો. આમ ચારે ચાર બેઠક પર ઇન્ચાર્જ સહિતના ટીમના મેનેજમેન્ટ સફળ રહ્યા હતા.

રાજકોટ, અમરેલીમાં ડો.બોઘરાનું નેટવર્ક સફળ રહ્યું
વડાપ્રધાનની સભાથી માંડી ચૂંટણી પ્રચારમાં ચાવીરૂપ ભૂમિકા
સૌરાષ્ટ્રમાં ભાજપના જાનદાર અને શાનદાર વિજયમાં અનેક નેતાઓની જેમ પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાની પણ ચાવીરૂપ ભૂમિકા રહી છે. અમરેલી જિલ્લામાં 2017માં ભાજપને એક પણ બેઠક મળી ન હતી. હવે 2022માં તમામ પાંચ બેઠક પર કમળ ખીલ્યું છે. રાજકોટ શહેર જિલ્લાની જસદણ સહિતની એકેએક બેઠક ઉપર ભાજપના ઉમેદવારો જીત્યા છે.

આ જિલ્લાઓમાં તેઓનું સંકલન સફળ રહ્યું છે. ચૂંટણી પૂર્વે રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સભા ગોઠવાતા ડો.બોઘરાને તાત્કાલીક રાજકોટ ખાતે વ્યવસ્થા અને સંકલનમાં મોકલાયા હતા. રાજકોટ દક્ષિણ, જસદણ સહિતની બેઠકમાં તેમનું નેટવર્ક સફળ રહ્યું હતું. આમ ભરત બોઘરા તેમને સોંપાયેલી જવાબદારીમાં પાસ થયા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement