► મુંબઈ હાઈકોર્ટ સમક્ષ મહારાષ્ટ્ર સરકારનો જવાબ : આર્થિક અપરાધ વિરોધી શાખા સમગ્ર તપાસ કરી રહી છે
મુંબઈ,તા. 9
મહારાષ્ટ્રમાં હવે ઠાકરે પરિવારની મુશ્કેલી વધી રહી છે અને ઉધ્ધવ ઠાકરે તથા તેમના પુત્ર આદીત્ય ઠાકરે અને પરિવારની મિલકતો અંગે તપાસ ચાલુ કરવામાં આવી છે. મુંબઈ પોલીસને આર્થિક અપરાધ અંગેની શાખાએ આવકના સ્ત્રોત કરતા વધુ મિલકતો અંગે પૂર્વ મુખ્યમંત્રી અને તેના કુટુંબ સામે મળેલી માહિતી બાદ તપાસ શરુ કરી છે.
આ અંગે મહારાષ્ટ્ર સરકારે મુંબઈ હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ ડી.એસ. ઠાકુરના વડપણ હેઠળની ખંડપીઠ સમક્ષ જણાવ્યું હતું અને તેમાં સીબીઆઈ તથા એન્ફોર્સમેન્ટ વિભાગની તપાસની પણ માગણી કરવામાં આવી હતી અને સરકારી ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું કે આર્થિક અપરાધ અંગેની શાખાએ આ અંગેની પ્રાથમિક તપાસ રિપોર્ટ રજૂ કરી દીધો છે.
મુંબઈ હાઈકોર્ટ સમક્ષ એક બિહેવીયર એન્ડ સોફટ સ્કીલ કન્સ્લન્ટન્ટ ગૌરી ભીંડે દ્વારા એક જાહેર હિતની અરજીમાં ઠાકરે પરિવારે કોઇ આવકનાસ્ત્રોત વગર આ જંગી મિલકતો એકઠી કરી તે અંગે તપાસની માગણી કરી હતી. તેઓએ આ અંગે 11 જુલાઈના રોજ પોલીસ કમિશનરને પણ એક અરજી આપી હતી પરંતુ કોઇ પગલા લેવાયા નહીં હોવાનું જણાવ્યું હતું.
જો કે ઠાકરે પરિવાર તરફથી આ પ્રકારની તપાસમાં ફક્ત વ્યક્તિગત અને રાજકીય દુશ્મનાવટના કારણે જ અરજી થઇ હોવાનું જણાવાયું હતું. ઠાકરે પરિવાર દ્વારા સામના અખબાર અને મેગેઝીન સહિતની પ્રકાશન પ્રવૃતિ કરવામાં આવે છે અને તેમાં રુા. 45 કરોડના ટર્નઓવર અને 11.5 કરોડનો નફો થયો હોવાનું પણ જણાવાયું હતું. પરંતુ ઠાકરે પરિવાર તેના કરતા અનેકગણી મિલકતો ધરાવતા હોવાનું પણ અદાલત સમક્ષ રજૂ થયું હતું. અને તે અંગે હવે તપાસ થઇ રહી હોવાનું રાજ્ય સરકારે કબૂલ કર્યું છે.