રાજકોટ તા.9 : બંગાળની ખાડીનું લો-પ્રેશર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ આગામી તા.12 અને 13નાં રોજ દક્ષિણ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં કમોસમી છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના છે અને આ બે દિવસ દરમ્યાન સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળીયુ વાતાવરણ રહેશે તેવું આજરોજ નસાંજ સમાચારથ સાથેની વાતચિત દરમ્યાન રાજય હવામાન વિભાગનાં ડાયરેકટર મનોરમા મોહંતીએ જણાવેલ હતું.
તેઓએ વધુમાં એમ પણ જણાવેલ હતું કે, આવતા ત્રણથી ચાર દિવસ ઠંડીનું જોર ઘટશે અને સવારનાં તાપમાનમાં 2થી 4 ડિગ્રી જેટલો વધારો થશે. દરમ્યાન રાજયમાં આજરોજ પણ સવારે માત્ર ગુલાબી ઠંડીનો અનુભવ થવા પામ્યો હતો. રાજકોટ શહેરમાં આજે સવારે 15.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું અને સવારે પવનની સરેરાશ ઝડપ 10 કિ.મી. રહેવા પામી હતી જયારે બપોરે 2-30 કલાકે તાપમાન 30.6 ડિગ્રી નોંધાયું હતું. દરમ્યાન આજરોજ એક માત્ર નલિયામાં સવારે 8.8 ડિગ્રી તાપમાનને બાદ કરતા અન્ય સ્થળોએ માત્ર ગુલાબી ઠંડી અનુભવાઈ હતી.
આજે સવારે અમદાવાદ ખાતે 14 ડિગ્રી, અમરેલીમાં 13.8 ડિગ્રી, વડોદરામાં 11.4, ભાવનગરમાં-15 તથા ભૂજમાં 13.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. જયારે આજે સવારે દાદરાનગર હવેલીમાં 19.1, દમણમાં 19.6, ડિસામાં 12.8, દિવમાં 18.8, દ્વારકામાં 18, તેમજ ગાંધીનગરમાં 10.3 ડિગ્રી, જૂનાગઢમાં 13.8 ડિગ્રી અને કંડલામાં 14.8 ડિગ્રી તેમજ ઓખામાં 21.7, પાટણમાં 12.8, તથા પોરબંદરમાં 15.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.