રાજકોટ, તા.9 : રાજકોટમાં 37 વર્ષ પહેલા તા.2/11/1985 ના રોજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં સીઆઇડી ક્રાઇમના પીઆઈએ એવા મતલબની ફરિયાદ આપેલ કે, રાજકોટના માધાપર રેલ્વે યાર્ડમાં સીમેન્ટનો જથ્થો આવેલ હતો, જે સીમેન્ટનો જથ્થો બંગાવડી ડેમની સાઇટ ઉપર પહોંચાડવાનો હતો,
જેના માટે કોન્ટ્રાક્ટ મારફતે 3 ટ્રક દ્વારા 600 ગુણી (30 ટન) સીમેન્ટ માધાપર રેલ્વે યાર્ડમાંથી ભરીને, સરકારી કામ સબબ ગેટ પાસ મેળવીને રવાના કરેલા 3 ટ્રકો દિવસ દરમ્યાન સાઇટ પર પહોચેલ નહીં, જેથી ટૂક બાબતે પોલીસમાં જાણ કરતાં, પોલીસને સીમેન્ટ ભરેલા 3 ટ્રકો ગોંડલ રોડ પરથી મળી આવેલ, જે અંગે ટ્રકોને રોકીને તલાસી લેતા, તેમાથી સાચા ગેટ પાસને બદલે ખોટા ગેટ પાસ સાથે ડ્રાઈવરો મળી આવેલ, જે અંગે તપાસ કરતાં માલૂમ પડેલ કે, ટ્રકોના ડ્રાઈવરો અને કોન્ટ્રાકટર દ્વારા મિલાપીપણું કરીને ગુહાઇત કાવતરું કરીને સરકારી સીમેન્ટનો જથ્થો બારોબાર સગે વગે કરતા હતા.
કેસમાં ચાલતા આરોપી ધનજીભાઇ કાનજીભાઇ પટેલ તથા અન્યઓની ધરપકડ કરીને ચાર્જશીટ કરેલ, ફરીયાદ પક્ષે 5 સાહેદોની જુબાની કોર્ટમાં નોંધવામાં આવી અને 3 જેટલા લેખિત પુરાવા રજૂ કરવામાં આવ્યા. આરોપીના એડવોકેટે ચુકાદાઓ ટાંકીને ધારદાર દલીલ કરતાં કોર્ટે દલીલો માન્ય રાખીને આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ ઠરાવીને છોડી મુકવા હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીઓ વતી યુવા એડવોક્ટ રાહુલ બી. મકવાણા, ભાર્ગવ ડી. બોડા, અશ્વિન ડી. પાડલીયા, રવિ વી. રાઠોડ, કૃણાલ વિંધાણી રોકાયેલા હતા.