♦ ન્યુમોનિયાથી બાળકોને બચાવવા ફલુ વેકિસન લગાવવી: ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ ન્યુમોનિયાના સંકેત
નવી દિલ્હી તા.10
હાલ દિલ્હી સહીત દેશમાં ઠંડીથી ખરાબ હાલત છે. ડોકટરોના જણાવ્યા અનુસાર તાપમાનમાં ઘટાડો અને પ્રદુષણના બેવડા મારની બાળકો પર અસર પડી રહી છે. દિલ્હીની ત્રણ હોસ્પીટલોમાં ન્યુમોનીયાનાં 70 થી વધુ બાળકોની સારવાર ચાલી રહી છે. ડોકટરોએ જણાવ્યું હતું કે, ઠંડીમાં બાળકોના સ્વાસ્થ્ય પર નજર ખવી ખુબ જ જરૂરી છે.
ન્યુમોનિયાનું સંક્રમણ થવા પર કેટલાંક બાળકોને ઉધરસ અને હળવો તાવ આવે છે.જયારે કેટલાંક બાળકો એવા પણ છે જેમનું ખાવા-પીવાનું ઓછુ થઈ ગયુ છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે. એમ્સના બાળરોગ વિભાગનાં ડો.એસ.કાબરાએ જણાવ્યું હતું કે બાળકોને ઠંડીથી બચાવવા જોઈએ. બાળકોમાં જોરથી શ્વાસ લેવા,છાતીમાં ગભરામણ વગેરે ન્યુમોનીયાના સંકેત હોઈ શકે છે. આમાં પાંચ વર્ષથી ઓછી વયના બાળકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડતી હોય છે.
રસી જરૂર મુકાવો
બાલરોગ વિશેષજ્ઞ ડો.યાચિકા વશિષ્ઠે જણાવ્યું હતું કે ન્યુમોનિયાથી બચાવ માટે અનેક રસીઓ ઉપલબ્ધ છે. જે આ સંક્રમણને રોકવામાં અને જટીલતાઓથી બચાવવામાં બાળકોની મદદ કરી શકે છે.ફલુ વેકિસન આ સંક્રમણથી બચાવવામાં મદદરૂપ થઈ શકે છે.ઈન્ડોર પ્રદુષણથી પણ બાળકોને બચાવવા જોઈએ.
શ્વાસ રોગ નિષ્ણાંત ડો.નીતુ જૈન કહે છે કે બાળકોએ કમ સે કમ 20 સેક્ધડ માટે નિયમીત રીતે પોતાના હાથો સાબુથી ધોવા જોઈએ. શરીરની રોગ પ્રતિકાર ક્ષમતા મજબુત કરવા સ્વસ્થ જીવન શૈલીનું પાલન કરવુ જોઈએ. પર્યાપ્ત આરામ કરવો જોઈએ. સંતુલીત આહાર લેવો જોઈએ.