કોલ્ડવેવ વખતે રાજકોટમાં 4 નવજાત શિશુ-માસૂમ બાળકોને હૃદયરોગનો હુમલો

10 January 2023 04:43 PM
Rajkot Health
  • કોલ્ડવેવ વખતે રાજકોટમાં 4 નવજાત શિશુ-માસૂમ બાળકોને હૃદયરોગનો હુમલો

◙ કાતિલ ઠંડીમાં માત્ર વયોવૃદ્ધો જ નહીં, બાળકો-યુવાનો પણ હાર્ટએટેકનો શિકાર

◙ 50 વર્ષથી ઉપરના 127 લોકોને હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલિક હોસ્પિટલે ખસેડવા પડ્યા: કાતીલ ઠંડી ઉપરાંત શ્ર્વાસ-હૃદયની બીમારી હાર્ટએટેક માટે કારણભૂત: શિયાળાની સીઝનમાં હાર્ટએટેકના કેસોમાં 30%નો ચિંતાજનક વધારો

◙ હોસ્પિટલે પહોંચવામાં વિલંબ થઈ જતાં અનેક દર્દીઓ મોતને ભેટી ગયા !: 15 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધીમાં 1થી 10 વર્ષની વયમાં સામેલ બે બાળકો તો બે નવજાત શિશુને હાર્ટએટેક આવતાં નવી ચિંતા

◙ 21થી 30 વર્ષના 62 તો 31થી 40 વર્ષના 35 અને 41થી 50 વર્ષના 38 લોકોને હાર્ટએટેક આવતાં યુવાનોમાં વધી રહેલા વ્યસનના પ્રમાણને કારણે સ્થિતિ બગડી રહ્યાનું નિષ્ણાત તબીબોનું તારણ

રાજકોટ, તા.10
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં અત્યારે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે મતલબ કે સવારના સમયમાં ઠંડી તો બપોરે ગરમી તો સાંજના સમયે ફરી ઠંડી પડી રહી છે. આ પ્રકારની ઋતુને કારણે ખાસ કરીને વાયરલ ઈન્ફેક્શન એટલે કે તાવ-શરદી-ઉધરસના કેસો તો ચિંતાજનક હદે વધી જ રહ્યા છે. રાજકોટમાં પાછલા 21 દિવસ મતલબ કે 15 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધીના સમયની વાત કરવામાં આવે તો આટલા દિવસોમાં અનેક દિવસ એવા છે.

જે દરમિયાન સહન ન કરી શકાય તેટલી ઠંડી પડી છે. આ ઠંડીની સૌથી વધુ અસર વયોવૃદ્ધો ઉપર પડી જ છે સાથે સાથે બાળકો અને યુવાનો પણ ઠંડીને કારણે હાર્ટએટેકનો શિકાર બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. એકંદરે ‘કોલ્ડવેવ’ વખતે રાજકોટમાં ચાર નવજાત શિશુ-સામૂમ બાળકોને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાનું બહાર આવી રહ્યું છે તો 21 દિવસની અંદર અલગ-અલગ વય જૂથમાં હૃદય-બ્રેઈન એટેકના ધરખમ 296 કેસ ચોપડે નોંધાયા છે.

નિષ્ણાત તબીબોના મતે ઠંડીને કારણે સૌથી વધુ અસર વયોવૃદ્ધ મતલબ કે 50થી 70 વર્ષની ઉંમરના હોય તેવા લોકોને હૃદયરોગની શક્યતા વધુ જોવા મળતી હોય છે. ઉપરાંત આ વયજૂથના મોટાભાગના લોકોને શ્ર્વાસ-હૃદય સંબંધિત બીમારી હોવાને કારણે તેમને હાર્ટએટેક આવવાનું જોખમ પણ એટલું જ રહેતું હોય છે એટલા માટે 21 દિવસની અંદર 50 વર્ષથી ઉપરના 127 લોકોને હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

તબીબોએ એમ પણ જણાવ્યું કે, શિયાળાની સીઝનમાં હાર્ટએટેકના કેસોમાં 30%નો વધારો આવ્યો છે જે ઘણો જ ચિંતાજનક ગણી શકાય. બીજી બાજુ હાર્ટએટેક આવ્યા બાદ હોસ્પિટલે પહોંચવામાં વિલંબ થઈ જતાં અનેક દર્દીઓ મોતને ભેટ્યા હોવાનું પણ બહાર આવ્યું છે. 15 ડિસેમ્બરથી 8 જાન્યુઆરી સુધીમાં 1થી 10 વર્ષની વયમાં સામેલ બે બાળકો તે બે નવજાત શિશુને હાર્ટએટેક આવતાં તબીબોમાં પણ નવી ચિંતા જોવા મળી રહ્યું છે.

આટલું ઓછું હોય તેવી રીતે કાતીલ ઠંડી ઉપરાંત વધી રહેલા વ્યસનના પ્રમાણને કારણે 21થી 30 વર્ષના 62, 31થી 40 વર્ષના 35 અને 41થી 50 વર્ષના 38 લોકોને હાર્ટએટેક આવતાં તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. જો કે યુવાન હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ થનારા મોટાભાગના દર્દીઓનો જીવ બચાવી શકાયો છે.

આશ્ચર્યમ: 30થી 40 વર્ષના યુવાનોને હાર્ટએટેક આવ્યા બાદ કરાયેલી એન્જીયોગ્રાફી 80 વર્ષના વૃદ્ધ જેવી !!

વૉકહાર્ટ હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટ ડૉ.અભિષેક પી.રાવલે જણાવ્યું કે ઠંડીની સીઝનમાં હાર્ટએટેક આવવાના પ્રમાણમાં 30%નો વધારો થઈ જવા પામ્યો છે જે ખરેખર ચિંતાજનક છે. આ કરતા વધુ વધુ ચિંતાની વાત એ છે કે તાજેતરમાં જ તેમના ધ્યાન ઉપર 30થી 40 વર્ષની વયના યુવાનો હાર્ટએટેક સાથે દાખલ થયા હતા. આ પછી તેમની એન્જીયોગ્રાફી કરવામાં આવતા તેનો રિપોર્ટ 80 વર્ષના વૃદ્ધ જેવો આવ્યો હતો !!

આવું બનવાનું મુખ્ય કારણ ઠંડી તો છે જ સાથે સાથે અનિયમિત જીવન શૈલી પણ મુખ્યત્વે જવાબદાર છે. તેમનું કહેવું છે કે યુવાનોમાં અત્યારે અનહેલ્ધી ફૂડનું સેવન ઉપરાંત સ્મોકિંગ-તમાકું તેમજ આલ્કોહોલનું સેવન વધી રહ્યું હોય તેઓ ઉપર ઝડપથી હાર્ટએટેકનો ખતરો રહેતો હોય છે. આ માટે સૌથી પહેલાં યુવકોએ જ નહીં બલ્કે સૌએ પોતાની જીવનશૈલી સુધારવાની જરૂરિયાત જણાઈ રહી છે. ચિંતાની વાત એ છે કે યુવાનોમાં હાર્ટએટેક આવ્યા બાદ મુશ્કેલી થવાનું કે ગંભીર લક્ષણો હોવાનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે પરંતુ સમયસર સારવાર મળી જવાથી જીવન બચાવી શકાય છે.

ઠંડીને કારણે વૃદ્ધોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધુ રહેતું હોય છે; યુવાનોને આવી રહેલા હુમલા ચિંતાજનક

ગોકુલ હોસ્પિટલના ક્રિટિકલ કેર નિષ્ણાત ડૉ.તેજસ કરમટાએ જણાવ્યું કે શિયાળાની સીઝનમાં ઓલ્ડ એઈઝ મતલબ કે 50થી 70 વર્ષની વયના લોકોને હાર્ટએટેક આવવાનું પ્રમાણ વધી જતું હોય છે પરંતુ તાજેતરના સમયમાં એવું પણ જોવાઈ રહ્યું છે કે યુવાનો હાર્ટએટેકનો શિકાર બની રહ્યા છે જે વાસ્તવિક રીતે ચિંતાની વાત છે. આ ઉપરાંત જે લોકોને હૃદય-શ્વાસની બીમારી રહેતી હોય તેમને હાર્ટએટેક આવવાનું પ્રમાણ વધુ હોય છે. દર વર્ષની જેમ આ વર્ષે 15 દિવસ દરમિયાન કાતીલ ઠંડી ફૂંકાઈ હોવાને કારણે હાર્ટએટેકના પ્રમાણમાં વધારો થયો છે સાથે સાથે અમુક અમુક કિસ્સાઓમાં મૃત્યુ પણ નોંધાયા છે.

હૃદયરોગના હુમલા સામેનો સૌથી રામબાણ ઈલાજ એટલે ‘પામી’

ઑલમ્પસ હોસ્પિટલના તબીબ ડૉ.મીહિર તન્નાએ જણાવ્યું કે જ્યારે નળી સંપૂર્ણ બ્લોક થઈ જાય છે ત્યારે હૃદયરોગનો હુમલો આવે છે. હૃદયના સ્નાયુને લોહી પહોંચતું બંધ થઈ જાય છે. આન લક્ષણોમાં છાતીના વચ્ચેના ભાગમાં દુ:ખાવો, ગભરામણ થવી, પેટના ઉપરના ભાગમાં બળતરા કે અસુખ થવું, ડાબો અથવા બંને ખભા કે હાથમાં દુ:ખાવો, શ્વાસ ચડવો, ચક્કર આવવા કે ખૂબ થાક-નબળા લાગવા સહિતના હોય છે.

જો કે હવે સારવાર પદ્ધતિમાં ઘણો સુધારો થયો હોય હાર્ટ એટેક દરમિયાન પણ સારવાર શક્ય બની છે. આ પ્રકારની સારવારને ‘પ્રાઈમરી એન્જીયોપ્લાસ્ટી ઈન માયોકાર્ડિયલ ઈન્ફ્રાર્કશન’ મતલબ કે ‘પામી’ કહેવામાં આવે છે તે અત્યંત ફાયદાકારક નિવડી છે અને આ સારવારથી એટેકમાં થતાં મૃત્યુદરમાં 90થી 92%નો ઘટાડો કરી શકાયો છે.

21 દિવસમાં હૃદય-બ્રેઈન એટેકના ધરખમ 296 કેસ


Related News

Advertisement
Advertisement
Advertisement