(ફારૂક ચૌહાણ) વઢવાણ,તા.17 : લીંબડી ગ્રામ્ય પેટા વિભાગીય કચેરીના નાયબ ઈજનેર પ્રતિકભાઈ ડઢાણીયા લીંબડી પોલીસ મથકે જાણવા જોગ અરજી દાખલ કરાવતાં જણાવ્યું હતું કે 66 કેવી વસ્તડી સબસ્ટેશનમાંથી આવતા ઉઘલ 11 કેવી ફિડર નીચે 200 જેટલા ખેતીવાડીના કનેક્શનો આપવામાં આવ્યા છે. ઉઘલ ફિડરના લોકેશન નં.11 કેવીમાં અજાણ્યા શખસો લોખંડ સહિત ધાતુનો પદાર્થ નાંખી વીજ લાઈન શોર્ટ કરી નાખે છે. અજાણ્યા શખસો ફિડર ફોલ્ટમાં નાખી પિયત કરતાં ખેડૂતોની મુશ્કેલીઓ વધારી દે છે. હાલ ઘંઉ, જીરૂ, વરિયાળી સહિતના પાકને પિયતની ખાસ જરૂર છે તેવા સમયે ફિડર ફોલ્ટમાં જવાને કારણે 200થી વધુ ખેડૂતોને હાલાકી વેઠવી પડે છે તો વીજ કંપનીને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. આવારા અને લુખ્ખા તત્વો દ્વારા લાઈન શોર્ટ કરી વીજ પુરવઠો બંધ કરતાં પીજીવીસીએલના અધિકારી અને કર્મચારીઓને ખેડૂતો સાથે ઘર્ષણ ઉભું થાય છે. વીજ લાઈન સાથે ચેડા કરનાર શખસોને ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.