મહિલા પહેલવાનોના યૌનશોષણ મામલે ખેલ મંત્રાલય આકરાં પાણીએ: 72 કલાકની અંદર જવાબ મંગાયો

19 January 2023 09:50 AM
India Sports Woman
  • મહિલા પહેલવાનોના યૌનશોષણ મામલે ખેલ મંત્રાલય આકરાં પાણીએ: 72 કલાકની અંદર જવાબ મંગાયો

જો ભારતીય કુશ્તી સંઘ 72 કલાકની અંદર જવાબ નહીં આપે તો આકરી કાર્યવાહી કરાશે: ભાજપના સાંસદ-કુશ્તી સંઘના પ્રમુખ વ્રજભૂષણે પોતાનો બચાવ કરતાં કહ્યું, જો આરોપો સાચા હશે તો તેઓ ફાંસી લગાવી લેશે !

નવીદિલ્હી, તા.19
મહિલા પહેલવાનો દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદને ગંભીરતાથી લઈને રમત-ગમત મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા પાસેથી 72 કલાકની અંદર તેના પર લગાવવામાં આવેલા આરોપોનો જવાબ માંગ્યો છે. મહિલા પહેલવાનોએ ફેડરેશનના પ્રમુખ અને કોચ ઉપર યૌનશોષણના આરોપ લગાવ્યા છે.

પત્રકાર પરિષદ કરનારા પહેલવાનોમાં ઓલિમ્પિક અને કૉમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતનારી ખેલાડી પણ સામેલ છે. રમત મંત્રાલયે કહ્યું કે, આ મામલો એથ્લીટસ સાથે જોડાયેલો છે તેથી મંત્રાલય તેને અત્યંત ગંભીરતાથી લઈ રહ્યું છે. જો ફેડરેશન 72 કલાકની અંદર જવાબ નહીં રજૂ કરે તો આકરી કાર્યવાહી કરવામાં આવશે.

રમત-ગમત મંત્રાલયે ગઈકાલથી લખનૌમાં શરૂ થનારા વૂમેન નેશનલ રેસલિંગ કોચિંગ કેમ્પને રદ્દ કરી નાખ્યો છે. આ કેમ્પમાં 41 મહિલા પહેલવાન, 13 કોચ અને સપોર્ટ સ્ટાફ ભાગ લેવાના હતા. મંત્રાલયે લખનૌ સ્થિત સ્પોર્ટસ ઓથોરિટી ઑફ ઈન્ડિયાના નેશનલ સેન્ટર ઑફ એક્સેલેન્સ ડાયરેક્ટરને આદેશ આપ્યો છે કે જે મહિલા પહેલવાન કેમ્પ માટે પહેલાંથી જ પહોંચી ચૂકી છે તેમને ત્યાં સુધી તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે જ્યાં સુધી તેઓ કેમ્પમાં રોકાણ કરે છે.

દેશના નામાંકિત ખેલાડીઓ બજરંગ પુનિયા, વિનેશ ફોગટ સહિતના પહેલવાનોએ રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ વ્રજભુષણ શરણસિંહ ઉપર આરોપ લગાવતાં કહ્યું કે, તે અને અન્ય કોચ મહિલા પહેલવાનોનું યૌન શોષણ કરે છે.

વિનેશ ફોગાટે રડતાં રડતાં કહ્યું કે, વ્રજભૂષણ ભાજપના સાંસદ પણ છે અને તેઓએ તમામ હદ ઓળંગી દીધી છે. બીજી બાજુ વ્રજભૂષણે પોતાનો એવો બચાવ કર્યો કે જો આ આરોપો સાબિત થયા તો તેઓ ગળેફાંસો ખાઈ લેશે !


Related News

Advertisement
Advertisement
Advertisement