નવીદિલ્હી, તા.19
ટીમ ઈન્ડિયાએ વિમેન્સ અન્ડર-19 વર્લ્ડકપમાં જીતની હેટ્રિક લગાવી દીધી છે. ટૂર્નામેન્ટના 20મા મુકાબલામાં શેફાલી વર્માની ટીમે સ્કોટલેન્ડ સામે પહેલાં બેટિંગ કરતાં 149 રન બનાવ્યા હતા જેના જવાબમાં સ્કોટલેન્ડ માત્ર 66 રનમાં જ આઉટ થઈ ગયું હતું. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા સુપર સિક્સમાં પહોંચી ગઈ છે.
ભારતે પોતાની સ્ટાર ઓપનિંગ બેટર અને કેપ્ટન શેફાલી વર્મા (1 રન)ની વિકેટ બીજી જ ઓવરમાં ગુમાવી દીધી હતી પરંતુ ગોંગાડી તૃષાના 51 બોલમાં 57 રનની ઈનિંગ તેમજ શ્વેતા સહરાવતના 10 બોલમાં અણશ્રમ 13 રનની મદદથી ચાર વિકેટે 149 રનનો સ્કોર બનાવ્યો હતો.
બોલિંગમાં ભારત વતી મન્નત કશ્યપ, અર્ચના દેવી સિંહ અને સોનમ યાદવની સ્પિન ત્રિપૂટીએ શાનદાર બોલિંગ ફેંકી સ્કોટલેન્ડની ઈનિંગને 14મી ઓવરમાં જ સંકેલી નાખી હતી. ડાબા હાથની સ્પીનર મન્નતે ચાર ઓવરમાં 12 રન આપીને ચાર વિકેટ તો ઑફ સ્પીનર અર્ચના દેવીએ 14 રન આપીને ત્રણ વિકેટ ખેડવી હતી. ભારતે હરિફ સ્કોટલેન્ડને 13.1 ઓવરમાં 66 રને સંકેલી લઈ સુપર સિક્સમાં પોતાનું સ્થાન પાક્કું કરી લીધું છે. આ પહેલાં ભારતે આફ્રિકા અને યુએઈને હરાવ્યું હતું.