નવીદિલ્હી, તા.21
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) માર્ચમાં વિમેન્સ આઈપીએલ શરૂ કરવા જઈ રહ્યું છે. ટૂર્નામેન્ટની પહેલી સીઝન માટે મીડિયા રાઈટસનું વેચાણ થઈ ચૂક્યું છે. વાયકૉમ-18એ 951 કરોડ રૂપિયામાં પાંચ વર્ષ માટે પ્રસારણના અધિકાર ખરીદયા હતા. હવે આ ટૂર્નામેન્ટને લઈને નવી જાણકારી એવી સામે આવી રહી છે કે 4 માર્ચથી ટૂર્નામેન્ટનો પ્રારંભ થઈ શકે છે અને એ જ મહિનાની 26 તારીખે ફાઈનલ રમાઈ શકે છે.
અહેવાલો પ્રમાણે વિમેન્સ આઈપીએલના તમામ મુકાબલા મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડી.વાય.પાટીલ સ્ટેડિયમ પર આયોજિત થઈ શકે છે. પહેલી સીઝનમાં કુલ 22 મેચ રમાઈ શકે છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમને પુરુષ આઈપીએલ માટે તૈયાર રાખવામાં આવશે જે 31 માર્ચ અથવા 1 એપ્રિલથી શરૂ થવાની શક્યતા છે.
વિમેન્સ આઈપીએલમાં ખેલાડીઓને કુલ 10 કરોડ રૂપિયાના ઈનામો મળી શકે છે. ટૂર્નામેન્ટ જીતનારી ટીમને છ કરોડ રૂપિયા તો રનર્સઅપને ત્રણ કરોડ અપાવાની શક્યતા છે. ત્રીજા-ચોથા સ્થાને રહેનારી ટીમે એક-એક કરોેડમાં સંતોષ માનવોપડશે.
પુરુષ આઈપીએલ દરમિયાન કોઈ ટીમની પ્લેઈંગ ઈલેવનમાં મહત્તમ ચાર વિદેશી ખેલાડી જ રમી શકે છે. જો કે મહિલા આઈપીએલમાં આ નિયમ તૂટી શકે છે અને પાંચ વિદેશી ખેલાડીઓને રમવાની છૂટ અપાઈ શકે છે. જો કે પાંચમા વિદેશી ખેલાડી કોઈ એક એસોસિએટ દેશનો હોવો જરૂરી રહેશે.
બીસીસીઆઈએ મહિલા આઈપીએલ માટે સેલેરી કેપ પણ નક્કી કરી લીધી છે જે 12 કરોડ રૂપિયા રહેશે. આ કેપમાં આગલા ચાર વર્ષ સુધી દર વર્ષે 1.50 કરોડ રૂપિયાનો વધારો થશે અને પાંચમા વર્ષે આ રકમ વધીને 18 કરોડ રૂપિયા થઈ જશે.
પાંચ ટીમો ખરીદવા માટે 30 કંપનીઓ રેસમાં: 25મીએ નિર્ણય
વિમેન્સ આઈપીએલની પાંચ ટીમો ખરીદવા માટે અદાણી ગ્રુપથી લઈને હલ્દીરામ સુધીની 30 મોટી કંપનીઓ વચ્ચે રેસ ચાલી રહી છે. ટેન્ડર ખરીદવા માટે આજે અંતિમ દિવસ છે અને 25 જાન્યુઆરીએ મુંબઈમાં ટીમ ખરીદવા માટે હરાજી થશે. જે કંપનીઓએ ટેન્ડર ખરીદયા છે જેમાં શ્રીરામ ગ્રુપ, નીલગીરી ગ્રુપ, એડબલ્યુ કાટગુરી ગ્રુપ, એપીએલ અપોલો, ચેટ્ટીનાદ સીમેન્ટસ, જે.કે.સીમેન્ટસ, ઈન્ડિયા સીમેન્ટસ, કાપ્રી ગ્લોબલ, અદાણી ગ્રુપ, જીએમઆર ગ્રુપ સહિતના મોટા નામો સામેલ છે.