► અજુર એરલાઈન્સની ચાર્ટર્ડ ફલાઈટમાં 247 પ્રવાસીઓને સલામત કરાયા: 11 દિવસ પુર્વે જ મોસ્કો-ગોવા ફલાઈટમાં બોમ્બની ધમકી બાદ જામનગર લેન્ડીંગ કરાયું હતું
નવી દિલ્હી તા.21
મોસ્કોથી ગોવા આવી રહેલી અજુર એરલાઈન્સની ફલાઈટમાં બોમ્બ હોવાની ધમકી બાદ આ વિમાનને તુર્તજ ઉઝબેકીસ્તાન ના એક હવાઈ મથક પર ઈમરજન્સી લેન્ડીંગ કરાવાયું છે અને વિમાનમાં તલાશી લેવામાં આવી રહી છે. હજુ 11 દિવસ પહેલા જ મોસ્કોથી ગોવાની ફલાઈટમાં બોમ્બ હોવાની ધમકી બાદ તેને જામનગરના એરફોર્સ બેઝ પર ઉતારવામાં આવ્યું હતું.
પરંતુ આ ધમકી પોકળ પુરવાર થઈ હતી ત્યાં ફરી એક વખત અજુર એરલાઈનના 247 યાત્રીઓ સાથેની ફલાઈટમાં બોમ્બ હોવાની ધમકી ગોવા વિમાની મથકના ડાયરેકટરને એક ઈમેઈલના માધ્યમથી મળી હતી.
જો કે વિમાન તે સમયે ભારતીય હવાઈ સીમામાં ન હતું અને તુર્તજ મોસ્કો સહિતના એરપોર્ટ પર આ ધમકી અંગે માહિતી અપાતા જ રશિયન સતાવાળાઓએ વિમાનને ઉઝબેકીસ્તાનના એક હવાઈ મથક પર ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને મુસાફરોને સલામત કરવામાં આવ્યા હતા.
અજુર એરની આ ચાર્ટર્ડ ફલાઈટ આજે ગોવા પહોંચવાની હતી અને તે સવારે 4.15 કલાકે ગોવાના આંતરરાષ્ટ્રીય વિમાની મથક પર લેન્ડ થવાની હતી પરંતુ હવે તે વિલંબથી પહોંચશે તેવા સંકેત છે.