♦ અમરેલીમાં 9.5, ગાંધીનગરમાં 7.8, પાટણમાં 9.4 ડિગ્રી: ભૂજ-અમદાવાદમાં 10 અને ડિસા-દિવમાં 11 ડિગ્રી સાથે તિવ્ર ઠંડીનો અહેસાસ
રાજકોટ,તા.23
છેલ્લા બે દિવસોથી ફરી ઉતર-પુર્વનાં સૂકા અને ઠંડા પવનો ફુંકાવાનું શરૂ થતા રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને રાજયભરમાં ઠંડીનું પ્રમાણ વધવા પામ્યું છે અને સવારનું તાપમાન 2થી4 ડીગ્રી જેટલુ નીચુ ઉતરી ગયુ છે અને હજુ પણ ઠંડીની આ તિવ્રતા આગામી 4થી5 દિવસ સુધી જળવાશે અને સવારનું તાપમાન ઠેર-ઠેર 8થી12 ડીગ્રી વચ્ચે નોંધાશે. ખાસ કરીને કચ્છ, અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ અને રાજકોટ જિલ્લામાં ઠંડીની તિવ્રતા વધુ રહેશે તેવુ હવામાન વિભાગે જણાવેલ છે.
દરમ્યાન આજે સવારે પણ રાજકોટ સહિત રાજયમાં પાંચ સ્થળોએ સિંગલ ડીઝીટમાં સવારનું તાપમાન નોંધાયું હતું. આજરોજ રાજયનું સૌથી ઠંડુ શહેર ગાંધીનગર રહ્યું હતું, અત્રે આજે સવારે 7.8 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. જયારે, રાજકોટ શહેરમાં સવારે 10 કી.મી.ની ઝડપે ઠંડા પવન વચ્ચે લઘુતમ તાપમાન 9.7 ડીગ્રી થઈ જતા નગરજનો ઠુંઠવાયા હતા.
આ ઉપરાંત આજે સવારે કચ્છનાં નલિયા ખાતે 8 ડિગ્રી, ભુજમાં 10 ડીગ્રી અને કંડલામાં 12 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું, આમ આજે પણ કચ્છમાં કડકડતી ઠંડીનો દૌર યથાવત રહેવા પામ્યો હતો.
કચ્છ ઉપરાંત અમરેલી અને પાટરમાં પણ આજે તિવ્ર ઠંડી યથાવત રહી હતી. અમરેલીમાં આજે સવારે લઘુતમ તાપમાન 9.5 ડીગ્રી થઈ જતા નગરજનો ધ્રુજી ગયા હતા. જયારે આજે સવારે પાટણમાં 9.4 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.
જયારે, આજે સવારે અમદાવાદમાં 10.5 ડીગ્રી, વડોદરામાં 13.4, ભાવનગરમાં 12 ડિગ્રી તથા સુરતમાં 14.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. આ ઉપરાંત દમણમાં 15.6, ડિસા અને દિવમાં 11 ડિગ્રી, દ્વારકામાં 15.4 ડિગ્રી, જૂનાગઢમાં 15.4, પોરબંદરમાં 11 ડિગ્રી તેમજ વેરાવળ ખાતે 12.7 ડીગ્રી, લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું.