નવીદિલ્હી, તા.23
ભારત-શ્રીલંકા વચ્ચે રમાયેલા વિમેન્સ અન્ડર-19 વર્લ્ડકપના મુકાબલામાં શ્રીલંકાને સાત વિકેટે હરાવી ટીમ ઈન્ડિયાએ શાનદાર અંદાજમાં જીત મેળવી છે. મેચમાં પહેલા બેટિંગ કરતાં શ્રીલંકાની ટીમે 20 ઓવરમાં માત્ર 59 રન બનાવ્યા હતા જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ આઠમી ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. આ જીત સાથે જ ટીમની સેમિફાઈનલમાં પહોંચવાની આશા જીવંત રહી છે.
આ મેચમાં ભારતીય મહિલા ટીમના બોલરોનું સુપરડુપર પ્રદર્શન રહ્યું હતું. લંકા ટીમના બેટરોને પત્તાની જેમ તોડી પાડવામાં ભારતીય બોલર પાર્શવી ચોપડાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેણે ચાર ઓવરમાં માત્ર પાંચ રન આપીને પાંચ વિકેટ ખેડવી હતી જે બદલ તેને મેન ઑફ ધ મેચનો એવોર્ડ એનાયત કરાયો હતો.લંકાના 60 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા વતી શેફાલી વર્માએ એક છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 10 બોલમાં 15 રન બનાવ્યા હતા.
જ્યારે શ્વેતા સહરાવતે 17 બોલમાં 13 રન બનાવ્યા હતા. ઋચા ઘશેષ મેચમાં કશી ખાસ કમાલ બતાવી શકી નહોતી. પહેલાં બોલે ચોગ્ગો લગાવ્યા બાદ બીજા બોલે તે પોતાની વિકેટ ગુમાવી બેઠી હતી. સોમ્યા તીવારીએ 15 બોલમાં અણનમ 28 રન બનાવ્યા હતા. આમ ટીમે 76 બોલ બાકી રાખીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.