નવીદિલ્હી, તા.24
અભિનેત્રી અથિયા શેટ્ટી અને ક્રિકેટર કે.એલ.રાહુલ સાત ફેરા લઈને જન્મોજન્મ સુધી એકબીજાના થઈ ગયા છે. અભિનેત્રીના લગ્નની તસવીરોએ લોકોનું દિલ જીતી લીધું છે. બીજી બાજુ એવા અહેવાલો મળી રહ્યા છે કે આ કપલે પોતાનું રોમાન્ટીક હનીમૂન રદ્દ કર્યું છે.
આવનારી ક્રિકેટ ટૂર્નામેન્ટને ધ્યાનમાં રાખી રાહુલ અને અથિયા લગ્ન પછી ફરવા નહીં જાય. અથિયા અને રાહુલે સુનિલ શેટ્ટીના ખંડાલાવાળા બંગલામાં લગ ન કર્યા હતા. હવે આ બન્નેનું ગ્રાન્ડ રિસેપ્શન આઈપીએલ બાદ જ યોજાશે તેવું જાણવા મળી રહ્યું છે.
અહેવાલોની માનીએ તો રાહુલ ટીમ ઈન્ડિયામાં આવનારી ટૂર્નામેન્ટમાં સામેલ થશે જ્યારે અથિયા પણ લગ્ન બાદ પોતાનું નવું વેન્ચર લોન્ચ કરવાની છે. રાહુલે લગ્ન માટે શ્રીલંકા વિરુદ્ધની શ્રેણીને છોડી દીધી હતી. બીજી બાજુ લગ્ન થયા બાદ રાહુલ પ્રેક્ટિસ માટે તુરંત પરત ફરશે. કામને પહેલાં પ્રાથમિકતા આપતાં અથિયા અને રહુલે પોતાનું હનીમૂન થોડા સમય માટે રદ્દ કર્યું છે.
અથિયાનો વેડિંગ ડ્રેસ બનાવવા માટે લાગ્યા 10,000 કલાક !
બોલિવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટી ક્રિકેટર રાહુલ સાથે લગ્નના તાંતણે બંધાઈ ચૂકી છે ત્યારે તસવીરો સામે આવતાં જ તમામની નજર અથિયાના સુંદર લહેંગા પરથી હટવાનું નામ લઈ રહી નથી. અથિયા અને રાહુલે મેચિંગ વેડિંગ પોશાક પહેર્યા હતા.
ખાસ કરીને અનામિકા ખન્નાએ તેમના લગ્નના ખાસ દિવસ માટે આ ડ્રેસને ડિઝાઈન કર્યો હતો. અનામિકાએ કહ્યું કે અથિયાના વેડિંગ ડ્રેસને બનાવવા માટે 10,000 કલાકનો સમય લાગ્યો હતો. આ લહેંઘામાં જાલી વર્ક, જરદોઝી અને ચિક્કનકારીનો સમાવેશ કરવામાં આવ્યો છે.