રાજકોટ, તા.24
100 દિવસની અંદર ગુજરાતમાંથી વ્યાજખોરીને ડામી દઈને વ્યાજખોરોને જેલના સળિયા પાછળ ધકેલી દેવાની સરકારની ઝુંબેશને કારણે ચુંગાલમાં ફસાઈ ગયેલા અનેક લોકોની મુશ્કેલીનો અંત આવ્યો છે. બીજી બાજુ અલગ-અલગ શહેરોની પોલીસ દ્વારા આ દિશામાં નવતર પહેલ પણ કરવામાં આવી રહી છે.
આ દિશામાં સુરત પોલીસ દ્વારા એક સરાહનીય પગલું ઉઠાવવામાં આવ્યું છે. હવે સુરતમાં રહેતી કોઈ પણ વ્યક્તિને લોનની જરૂર હોય તો તેઓ 100 નંબર ઉપર જાણ કરીને લોન મેળવવા માટેની પ્રક્રિયા કરી શકશે. આ માટે પોલીસ કમિશનર અજય તોમર દ્વારા ખાસ વ્યવસ્થાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
લોન મેળવવા ઈચ્છતી વ્યક્તિએ સૌથી પહેલાં 100 નંબર ઉપર કોલ કરવાનો રહેશે. કોલ કર્યા પછી પોલીસ જે તે વ્યક્તિની માહિતીની નોંધ કરશે. નોંધ કર્યા પછી પોલીસ જ આ માહિતી બેન્કના કર્મચારીને આપશે. ત્યારબાદ બેન્ક દ્વારા લોન લેનાર વ્યક્તિનું વેરિફિકેશન કરવામાં આવશે.
પોલીસ દ્વારા 13 જેટલી સ્કીમની માહિતી પણ લોકોને આપવામાં આવશે અને તે અંતર્ગત લોકોને લોન અપાવવામાં આવશે. પોલીસે તમામ કો-ઓપરેટિવ તેમજ નેશનલાઈઝડ બેન્કોના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્ત્વપૂર્ણ બેઠક કરીને લોન અપાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસ દ્વારા વ્યાજખોરો સામેની ઝુંબેશ દિન-પ્રતિદિન ધારદાર બનાવવામાં આવી રહી છે. વ્યાજખોરોની સૌથી વધુ ફરિયાદ પણ સુરતમાં જ નોંધાઈ હતી જેથી પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી જઈને વ્યાજખોરોને દબોચવાનું શરૂ કર્યું હતું.
પોલીસ દ્વારા કેટલાક કિસ્સાઓમાં સુઓમોટો લઈને ફરિયાદો પણ દાખલ કરાઈ હતી. વ્યાજખોર દ્વારા કેટલાક લોકોની મિલકતો પણ ખોટી રીતે વ્યાજના નામે પચાવી પાડવામાં આવી છે જે મિલકતો પણ પોલીસ દ્વારા વ્યાજખોરો પાસેથી છોડાવી પરત કરાવાઈ રહી છે.