ઈન્દોર, તા.24
ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ વિરુદ્ધ શ્રેણીની ત્રીજી અને અંતિમ વન-ડે મેચમાં જીત મેળવીને નંબર વન બનવાના ઈરાદા સાથે મેદાને ઉતરી ચૂકી છે. આ શ્રેણીમાં ભારત 2-0થી આગળ છે અને વન-ડેમાં નંબર વન બનવા તેમજ ન્યુઝીલેન્ડના સૂપડા સાફ કરવા માટે આ મેચ જીતવી જરૂરી હોવાથી એડીચોટીનું જોર લગાવી દેશે.
કેપ્ટન રોહિત શર્માઅને કોચ રાહુલ દ્રવિડ ટીમમાં અમુક ફેરફાર કરી શકે છે. ફાસ્ટ બોલર ઉમરાન મલિક અને લેગ સ્પીનર યુઝવેન્દ્ર ચહલને ટીમમાં સમાવેશ કરવામાં આવી શકે છે. આવામાં મોહમ્મદ સિરાજ અથવા મોહમ્મદ શમીમાંથી કોઈ એકને આરામ અપાઈ શકે છે. જ્યારે વોશિંગ્ટન સુંદરને પણ બહાર કરવામાં આવી શકે છે. ટીમ ઈન્ડિયા પહેલાંથી જ આ શ્રેણી જીતી ચૂકી હોવાથી રજત પાટીદારને તેના હોમગ્રાઉન્ડ પર ડેબ્યુની તક મળી શકે છે.
રજતે ઘરેલું સ્તરે પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા છે. બીજી બાજુ ટીમ ઈન્ડિયા ચાલુ સપ્તહાના અંતમાં ન્યુઝીલેન્ડ સામે ટી-20 શ્રેણી અને ત્યારપછી ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી રમવા ઉતરશે જેથી ટીમ મેનેજમેન્ટ અમુક ખેલાડીઓને આરામ આપી શકે છે.
ઓપનિંગ બેટર શુભમન ગીલ જોરદાર ફોર્મમાં છે. તેણે પહેલી મેચમાં બેવડી સદી બનાવી તો ઓછા સ્કોરવાળી બીજી મેચમાં અણનમ 40 રનની ઈનિંગ રમી હતી. કેપ્ટન રોહિત શર્માએ પણ સારી શરૂઆત કરી છે અને તે આ સ્કોરને મોટા સ્કોરમાં બદલવા માંગશે. શ્રેણીમાં અત્યાર સુધી માત્ર ગીલ અને રોહિત જ રન બનાવી શક્યા નથે. એ પણ વાસ્તવિક્તા છે કે અન્ય બેટરોને પર્યાપ્ત તક મળી નથી આવામાં ઈશાન કિશન, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ જેવા ખેલાડીઓ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.
પાકિસ્તાનને તેના જ ઘરમાં હરાવીને પરત ફરેલી ન્યુઝીલેન્ડની ટીમ ઉપર આ મુકાબલામાં ખાસ્સું દબાણ રહેશે. નંબર વનની ખુરશી સાથે તેની પ્રતિષ્ઠા પણ દાવ પર રહેશે. ટીમને કેન વિલિયમસન, ટ્રેન્ટ બોલ્ટ અને ટીમ સાઉધી જેવા ખેલાડીઓની સ્પષ્ટ રીતે ખોટ વર્તાઈ રહી છે. તેના બેટિંગ ક્રમમાં અત્યાર સુધી માત્ર માઈકલ બ્રેસવેલ જ પ્રભાવ છોડી શક્યો છે.