નવીદિલ્હી, તા.24
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને કોલકત્તાની અદાલત તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે શમીથી અલગ રહેતી પત્ની હસીન જહાંને દર મહિને 50,000 રૂપિયા ભરણ-પોષણ પેટે ચૂકવવા આદેશ આપ્યો છે. હસીન જહાંએ ચાર વર્ષ પહેલાં શમી ઉપર અનેક પ્રકારના આરોપો લગાવ્યા હતા. અદાલતના નિર્ણય બાદ શમી તરફથી ચૂકવણાની રકમને લઈને હશીન જહાં ખુશ નહોતી કેમ કે તેણે ફાસ્ટ બોલર પાસેથી દર મહિને 10 લાખ રૂપિયાની માંગ કરી હતી.
2018માં હસીન જહાંએ 10 લાખ રૂપિયા માસિક ભથ્થું મેળવવા માટે કોર્ટમાં કેસ કર્યો હતો જેમાં તેણે પોતાના ખર્ચ માટે દર મહિને 7 લાખ રૂપિયા અને પુત્રીની સારસંભાળ માટે ત્રણ લાખ રૂપિયાની માંગ કરી હતી. જો કે અદાલતે 50,000 રૂપિયાની રકમ જ મંજૂર કરતાં હવે હસીન જહાં હાઈકોર્ટમાં જઈ શકે છે.
અહેવાલો પ્રમાણે અદાલતે શમીને 50,000 રૂપિયા દર મહિને તેની પુત્રીની સારસંભાળ માટે આપવા આદેશ આપ્યો હતો. હસીન જહાંની વકીલ મૃગાંકા મીસ્ત્રીએ કોર્ટને જણાવ્યું કે 2020-21ના આવકવેરા રિટર્ન પ્રમાણે શમીની વાર્ષિક આવક સાત કરોડ રૂપિયાથી વધુ છે. તેણે આ જ આધારે માસિક 10 લાખ રૂપિયાનું ભથ્થું માગ્યું હતું. મીસ્ત્રીનું કહેવું હતું કે આટલી રકમ શમી માટે મોટી વાત નથી. જો કે શમીના વકીલ સેલિમ રહેમાને તર્ક આપ્યો કે હસીન જહાં પોતે ફેશન મોડેલ છે. તેની આવકનો સ્ત્રોત એટલો છે કે તે પોતાનું ભરણપોષણ આરામથી કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, મોહમ્મદ શમી અને હસીન જહાંના લગ્ન 2014માં થયા હતા. 2018માં બન્ને વચ્ચે તકરાર શરૂ થઈ હતી. હસીન જહાંએ શમી વિરુદ્ધ ઘરેલું હિંસાના આરોપ લગાવ્યા હતા જેથી બન્ને અલગ થયા હતા. બન્ને વચ્ચે હજુ સુધી તલાક થયા નથી. હસીને શમી ઉપર મેચ ફિક્સિગંના આરોપ પણ લગાવ્યા હતા. જો કે બીસીસીઆઈની તપાસમાં શમી નિર્દોષ સાબિત થયો હતો. આ જ કારણથી અત્યારે શમી ભારતીય ટીમનો હિસ્સો છે.