રાજકોટ, તા.24
2022-23નું વર્ષ સૌરાષ્ટ્રની ટીમ માટે અત્યંત શુકનવંતુ સાબિત થયું હોય તેવી રીતે ટીમે 2022માં દમદાર પ્રદર્શન કર્યા બાદ 2023માં પણ તેનું ફોર્મ યથાવત રાખ્યું છે. પરિણામે ડૉમેસ્ટિક ક્રિકેટમાં એવું પહેલીવાર બન્યું છે જ્યારે ત્રણેય ફોર્મેટની ઘરેલું ટૂર્નામેન્ટમાં ટીમની નૉકઆઉટમાં એન્ટ્રી થઈ છે.
આ પહેલાં સૈયદ મુશ્તાક અલી ટી-20 ટ્રોફીના નૉકઆઉટ રાઉન્ડ માટે ટીમ ક્વોલિફાય થઈ હતી પરંતુ આ રાઉન્ડમાં તેને પરાજય મળ્યો હતો. ત્યારબાદ વિજય હઝારે વન-ડે ટ્રોફીમાં પહેલાંથી લઈ છેવટ સુધી ટીમે દમદાર પ્રદર્શન કરીને ટ્રોફી ઉઠાવી હતી. જ્યારે હાલ ચાલી રહેલી રણજી ટ્રોફીમાં શાનદાર દેખાવ કરીને ટીમે નોકઆઉટ રાઉન્ડમાં એન્ટ્રી મેળવી છે. બીજી બાજુ આજથી તમીલનાડુ સામે સૌરાષ્ટ્રની ટક્કર શરૂ થઈ છે જેમાં ચેતેશ્વર પુજારા-જયદેવ ઉનડકટને આરામ આપીને રવીન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવાયો છે.
ચેતેશ્વર પુજારા અને જયદેવ ઉનડકટને ઑસ્ટ્રેલિયા સામે રમાનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે. આ બન્ને ખેલાડીઓના વર્કલોડને ધ્યાનમાં રાખી મેનેજમેન્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ચેતેશ્વર ટેસ્ટ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાનો સૌથી મહત્ત્વનો ખેલાડી છે એટલા માટે તેનું આ મહત્ત્વપૂર્ણ શ્રેણીમાં ફિટ રહેવું અત્યંત જરૂરી છે.
દરમિયાન લાંબા સમય સુધી ઈજાને કારણે પરેશાન રહેલા સ્ટાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ છ મહિના બાદ મેદાન પર વાપસી કરી છે. તે ઑસ્ટ્રેલિયા શ્રેણી પહેલાં આજે સૌરાષ્ટ્ર વતી તમીલનાડુ સામેની મેચ રમી રહ્યો છે. જયદેવ ઉનડકટની ગેરહાજરીમાં રવીન્દ્ર ટીમની કમાન સંભાળશે. ઉલ્લેખનીય છે કે જાડેજાને એશિયા કપ દરમિયાન ઘૂંટણમાં ઈજા થઈ હતી જેના કારણે તે ક્રિકેટથી દૂર થઈ ગયો હતો.