જસદણ પંથકનાં ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી નહી મળે તો આંદોલન

24 January 2023 12:18 PM
Jasdan
  • જસદણ પંથકનાં ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી નહી મળે તો આંદોલન

ખેડૂતોને રાત્રે વીજ પુરવઠો અપાતા કડકડતી ઠંડીમાં વાડી-ખેતરે જીવના જોખમે પાણી વાળવા જવું ફરજીયાત: મામલતદારને આવેદન

(નરેશ ચોહલીયા) જસદણ તા.24 : જસદણ પંથકના ખેડૂતોએ સિંચાઈ માટે દિવસે વીજળી આપોની માંગ સાથે આવેદનપત્ર આપ્યું, જો દિવસે વીજળી નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી. જસદણ તાલુકાના જસાપર, ગોડલાધાર, જસદણ, પીપળીયા, વિરનગર, પાંચવડા સહિતના ગામોના ખેડૂતોએ તંત્ર પાસે પોતાની વેદના ઠાલવી હતી. ખેડૂતોને સિંચાઈ માટે વીજળી પુરી પાડવાની રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતી મોટી-મોટી વાતો વચ્ચે જસદણ પંથકના ખેડૂતો વીજળીની સમસ્યાને લઈને હેરાન પરેશાન છે. એક તરફ શિયાળાની કડકડતી ઠંડીમાં સરકાર દ્વારા લોકોને બિનજરૂરી ઘરની બહાર નહીં નીકળવાની સલાહ આપવામાં આવી રહી છે. ત્યારે બીજીબાજુ જસદણ પંથકના ખેડૂતોને સિંચાઈ માટે રાત્રે વીજળી આપીને મજાક કરવામાં આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલ જસદણ પંથકમાં સૂર્યોદય યોજના તો ક્યાં છે

તે શોધવી પડે તેવી હાલત જોવા મળી રહી છે. જેથી જસદણ પંથકના ખેડૂતોએ સિંચાઈ માટે દિવસે વીજળી આપોની માંગ સાથે જસદણ મામલતદાર અને ઙૠટઈક તંત્રને આવેદનપત્ર આપ્યું હતું અને જો જસદણ પંથકના ખેડૂતોને વહેલી તકે દિવસે વીજળી નહીં મળે તો આંદોલનની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી ગઈ હતી. આ તકે ખેડૂતોએ જણાવ્યું હતું કે, જસદણ વિસ્તારના ખેડૂતોને એમના ખેત વિસ્તારમાં રાત્રીના સમયે વીજ પુરવઠો મળતો હોવાથી ખેડૂતોને આવી કડકડતી ઠંડીમાં નાછૂટકે વાડી-ખેતરે જવું પડી રહ્યું છે. એક તરફ ભારે કોલ્ડ વેવના કારણે સલામતી રાખવા માટે સરકાર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે રાત્રીના સમયે કામ વગર બહાર નહીં નીકળવું. પરંતુ ખેતીવાડી વિસ્તારમાં રાત્રીના સમયે જ વીજ પુરવઠો આપવામાં આવતો હોવાથી ધરતીપુત્રોને આવી કડકડતી ઠંડીમાં વાડી-ખેતરોમાં પિયત કરવા મજબૂર થવું પડી રહ્યું છે.

આ આવેદનપત્ર આપતી વેળાએ જસદણ તાલુકાના જસાપર, ગોડલાધાર, જસદણ, પીપળીયા, વિરનગર, પાંચવડા સહિતના ગામોના ખેડૂતો ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની વેદના તંત્ર .સામે ઠાલવી દિવસ દરમીયાન વીજ પુરવઠો આપો તેવી માંગ કરી હતી. છતાં જો જસદણ પંથકના ખેડૂતોને દિવસે વીજળી આપવામાં નહીં આવે તો ખેડૂતોએ આંદોલન છેડવાની ચીમકી ઉચ્ચારતા તંત્ર ભારે મુંજવણમાં મુકાઈ ગયું હતું. હાલ શિયાળાની ખુબ ઠંડી પડી રહી છે. જેના કારણે ખેડૂતોને રાત્રીના સમયે વાડી-ખેતરોમાં પાણી વાળવા જવું હોય તે મરવા બરોબર થઈ જાય છે. અધિકારીઓને તો માત્ર ઓફીસમાં જ રહેવાનું હોય છે તેને શું ખબર હોય કે વાડી-ખેતરોમાં રાત્રીના પાણી વાળવા જવું હોય તો કેવી મુશ્કેલી પડે છે.

રાત્રીના સમયે મનફાવે ત્યારે વીજળી આપતા હોવાથી ખેડૂતોને ઝેરી જનાવરની સતત બીક રહે છે. જેથી અમારી સરકાર પાસે માંગણી છે કે ખેડૂતોને સિંચાઈ માટે દિવસે વીજળી આપવામાં આવે. જેનાથી ખેડૂતોને જીવનું જોખમ ઘટી શકે છે. જો વહેલી તકે અમારી માંગણી નહીં સંતોષાય તો અમે જસદણ-વિંછીયા તાલુકાના બધા ખેડૂતોને સાથે રાખી ગાંધી ચિંધ્યા માર્ગે અહિંસક આંદોલનો કરીશું. તેમ ભરતભાઇ માનકોલીયાએ જણાવ્યું છે. અમારું આવેદનપત્ર આપવાનું એક જ કારણ છે કે, રાત્રીના સમયે જ ખેડૂતોને વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે.

એકબાજુ કડકડતી ઠંડી પડે છે અને રાત્રે જ આ લોકો વીજ પુરવઠો આપતા હોવાથી ખેડૂતોને ખુબ જ હેરાન ગતી રહે છે. જેથી તંત્ર દ્વારા રાત્રીના બદલે દિવસે વીજ પુરવઠો આપવામાં આવે તો ખેડૂતો શાંતિથી પાણી વાળી શકે અને ઠંડીથી બચી શકે છે. અત્યારે દિવસે પણ ઘરની બહાર નીકળવું હોય તો મુશ્કેલી પડે છે. તો રાત્રીના સમયે કેમ બાઈક લઈને વાડી-ખેતરે જવું. એકબાજુ ખેડૂતોને પાણીમાં ઉભા રહીને પાણી વાળવાનું હોય છે અને આવી કાતિલ ઠંડીના લીધે ખેડૂતો બીમાર પણ પડી રહ્યા છે. ચૂંટણી પહેલા દિવસે વીજળી મળતી હતી અને ચૂંટણી પત્યા પછી રાત્રીના વીજળી અપાઈ રહી છે. હાલ અમારી એક જ માંગણી છે કે, શીયાળા પુરતી જ દિવસે વીજળી આપો અને પછી ભલે રાત્રીના આપે તેને સ્વીકારવા માટે અમે તૈયાર છીએ. તેમ નીકુલભાઇ રામાણીએ જણાવ્યું છે.


Advertisement
Advertisement
Advertisement