ઉપલેટા માટે નવી ટ્રેનો શરૂ કરવા ધારાસભ્ય પાડલીયા દ્વારા રજૂઆત

24 January 2023 12:25 PM
Dhoraji
  • ઉપલેટા માટે નવી ટ્રેનો શરૂ કરવા ધારાસભ્ય પાડલીયા દ્વારા રજૂઆત

ધોરાજીના જમનાવડ-જૂનાગઢ રોડના ફાટક પર ઓવરબ્રીજ બનાવવા માંગણી

ધોરાજી તા.24 : ધોરાજી અને ઉપલેટા ખાતે બ્રોડગેજ લાઈન પસાર થાય છે. ઉપલેટા અને ધોરાજી તાલુકાના નાગરિકોને વ્યાપાર સંબંધમાં આંતર રાજય વ્યાપાર અને ધોરાજી ઉપલેટા તાલુકાના વિદ્યાર્થીઓ નજીકના જીલ્લાઓ તેમજ બીજા રાજયમાં અભ્યાસ કરતા હોય

તેમની મુશ્કેલીના નિવારણ માટે ધોરાજ ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાએ પશ્ચીમ રેલવે મુંબઈના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્ર સાથે જેતલસર જંકશન ખાતે બેઠક યોજી હતી. આ બેઠકમાં પાડલીયાએ નવી ટ્રેનો જેવી કે (1) પોરબંદર-રાજકોટ (2) પોરબંદર-મુંબઈ (3) પોરબંદર- બેંગલોરની ત્રણ નવી ટ્રેનો વ્યાપારી અને વિદ્યાર્થીઓને અનુકુળ આવે તે સમયે વાયા ઉપલેટા તાત્કાલિક ધોરણે નવી ટ્રેનો શરૂ કરવા તેમજ ભાવનગર જંકશનથી જેતલસર ટ્રેન નં.09565 ચાલે છે તે ટ્રેનની ફીકવન્સી વધારીને પોરબંદર સુધી કરવા તથા જેતલસર જંકશનથી વાસજાળીયા જંકશન સુધી ઈલેક્ટ્રીફીકેશન ઝડપથી પૂર્ણ કરવા રજૂઆત કરી હતી.

ઉપરાંત ઉપલેટા રેલવે સ્ટેશન પર વધુ કોચની ટ્રેન આવતી હોય ત્યારે મુસાફરોને ખુબજ અગવડતા પડતી હોય છે જેને ધ્યાને લઈ તાત્કાલિક રેલ્વે પ્લેટફોર્મ લંબાવવાની કામગીરી તાત્કાલિક શરુ કરવા માંગણી કરી હતી. ધોરાજી-જુનાગઢ અને ધોરાજી-જમનાવાડ રોડ ઉપર રેલ્વે ફાટકને કારણે અનેકવાર ટ્રાફીક જામ થવાથી નાગરીકોનો સમય અને અગવડતાઓ ભોગવવી પડે છે. આ બંને રેલ્વે ફાટક ઉપર તાત્કાલિક ઓવરબ્રિજ બનાવવા મંજુરી આપવી જોઈએ ઉપરોકત પ્રશ્નોનું નિવારણ થાય તો નાગરિકો રાહત અનુભવે તેવી રજૂઆત કરી હતી.

પશ્ચીમ રેલ્વે મુંબઈના જનરલ મેનેજર અશોકકુમાર મિશ્રએ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલીયાની રજૂઆતો સાંભળી અને આ મામલે દિલ્હી ખાતે રજૂઆત કરીને નજીકના ટુંકા સમયમાં નવી ટ્રેનો તથા હાલમાં ચાલતી (જૂની) ટ્રેનો તથા જૂની ટ્રેનોની ફિકવન્સી વધારવા ફાટક ઉપર ઓવરબ્રીજ તેમજ ઈલેકટ્રીફીકેશનના કામોનો તાત્કાલિક ઉકેલ આવશે તેવી ખાતરી આપી હતી.


Advertisement
Advertisement
Advertisement