(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.24 : મોરબીના વજેપર વિસ્તારમાં પૌત્રની સાથે ઝઘડો કરીને ઝાપટો મારનારા શખ્સને સમજાવવા માટે ગયેલ વૃદ્ધાને લોખંડના પાઇપ, છરો અને તલવાર વડે હુમલો કરીને માર મારી ઘરમાં તોડફોડ પણ કરવામાં આવી છે હતી જેમાં પોલીસે ગુનો નોંધીને પાંચે આરોપીઓની ધરપકડ કરી છે.
વજેપર વિસ્તારમાં શેરી નં.23 માં રહેતા ચંદુભાઈ બાબુભાઈ થરેસા કોળી (37) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે પાંચેય શખ્સો દ્વારા તેમના ફૈબા કાળીબેન વેલજીભાઈ ચૌહાણ (ઉમર 65) ના ઘર ઉપર લોખંડના પાઇપ, છરો અને તલવાર જેવા હથિયારથી હુમલો કર્યો હતો. ઘરમાં ટીવી, કબાટ અને ફળિયામાં પડેલ મોટર સાયકલમાં લોખંડના પાઇપ મારીને તેમાં નુકસાની કરી હતી. ભોગ બનેલા કાળીબેન ચૌહાણને ઈજા થઇ હોવાથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ ગયા હતા.
હાલમાં ઈજા પામેલ વૃદ્ધાના ભાણેજ દ્વારા નોંધવામાં આવેલ ફરિયાદ આધારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પીએસઆઇ એસ.આઇ.પટેલ દ્રારા કરશન લખમણ બાંભણિયા (23), ગિરીશ નારણ કણજારિયા (21), દશરથ દેવજી વરાણીયા કોળી (21), વિષ્ણુ પ્રહલાદ ઠાકોર (20) અને રાહુલ રમેશ ધામેચા (20) નામના પાંચેય આરોપીઓની ધરપકડ કરાઇ છે.