(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા.24 : મોરબીમાં દર વર્ષે શિક્ષકો દ્વારા થતા ઈનોવેશનમાં જિલ્લાના તમામ તાલુકામાંથી શિક્ષકો દ્વારા કૃતિઓ રજૂ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે ચાલુ વર્ષે પણ શિક્ષકો દ્વારા જુદીજુદી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં પ્રથમ પાંચ કૃતિમાં મોરબી જિલ્લાના એક જ તાલુકાની કૃતિ પસંદગી કરવામાં આવી છે જેથી તે શિક્ષકો હવે રાજયકક્ષાએ ઈનોવેશન ફેરમાં ભાગ લેવા માટે જશે જેથી કરીને અન્ય તાલુકાનાં શિક્ષકોમાં એવો ગણગણાટ થઈ રહ્યો છે કે, ઈનોવેશન ફેરમાં લાગવગશાહી ચાલી રહી છે અને આ નિર્ણયથી ઈનોવેટિવ ટીચર્સમાં રોષની લાગણી છે
જિલ્લા શિક્ષણ તાલીમ ભવન- રાજકોટ દ્વારા દર વર્ષે ઈનોવેશન ફેરનું આયોજન કરવામાં આવે છે જેમાં શિક્ષકો દ્વારા શિક્ષણકાર્યમાં કરે નવાચાર, નૂતન પદ્ધતિ અને પ્રયુક્તિઓને સતત બે દિવસ સુધી પ્રદર્શિત કરવામાં આવે છે, જિલ્લાની દરેક શાળામાંથી એક એક શિક્ષકો આ ઈનોવેશન ફેર નિહાળવા આવે છે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના લેકચરર અને તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે, અને જિલ્લાની તમામ શાળામાંથી આવેલ શિક્ષકો દ્વારા પણ મૂલ્યાંકન સીટ ભરવામાં આવે છે પણ જે તે તાલુકાના ઈનોવેટિવ શિક્ષકોની કૃતિનું મૂલ્યાંકન અન્ય તાલુકાના શિક્ષકો દ્વારા કરવામાં આવે છે.
આ વર્ષે યોજાયેલ ટંકારા આર્યમ વિદ્યાલય ખાતે યોજાયેલા ઈનોવેશન ફેરમાં મોરબી તાલુકામાંથી 15 કૃતિ, માળીયામાંથી 5, હળવદમાંથી 11, ટંકારામાંથી 13, વાંકાનેરમાંથી 7 કૃતિ આમ કુલ 51 જેટલી ઈનોવેટિવ કૃતિ રજૂ થઈ હતી જે પૈકી પાંચ કૃતિ રાજયકક્ષાના ઈનોવેશન ફેરમાં મોકલવાની હોય છે અને ઈનોવેટિવ ટીચર્સ દ્વારા અમને મળતી માહિતી મુજબ તમામ પાંચેય કૃતિઓ ટંકારા એક જ તાલુકાની પસંદ થયેલ છે અને પસંદ થયેલ કૃતિઓ કરતા બીજી ઘણી બધી સારી કૃતિઓ હોવા છતાં ટંકારા એક જ તાલુકાની કૃતિ પસંદ થયેલ હોય મૂક્યાંકનકારો દ્વારા લાગવગ કરી એમના મળતીયાઓની જ કૃતિ પસંદ કરેલ છે અને શિક્ષકો દ્વારા કરેલ મૂલ્યાંકન ધ્યાનમાં લીધા વગર જ મનફાવે તેમ કૃતિની પસંદગી કરેલ છે
ગયા વર્ષે પણ પાંચ કૃતિ પૈકી ત્રણ કૃતિ ટંકારા તાલુકાની પસંદ કરવામાં આવેલ હતી આમ ઈનોવેશન ફેરમાં દર વર્ષે મોરબી જિલ્લાના અન્ય ચાર તાલુકાના શિક્ષકોને ભારોભાર અન્યાય કરવામાં આવે છે રાજ્ય અને જિલ્લા લેવલે એક જ તાલુકાના શિક્ષકો સારૂ કાર્ય કરે છે અન્ય તાલુકાના નથી કરતા એવું ચિત્ર ઉભું થાય છે જેથી કરીને દિલથી કામ કરતા અને ઘણા દિવસની મહેનત પછી ઈનોવેશન તૈયાર કર્યું હોય અને સાચું મૂલ્યાંકન ન થતું હોય ઈનોવેટિવ ટીચર્સમાં રોષની લાગણી ફેલાયેલ છે અને યોગ્ય તપાસ કરીને ન્યાય નહિ આપવામાં આવે તો આવતા વર્ષે ઈનોવેશન ફેરમાં ભાગ ન લેવાનું પણ ઘણા શિક્ષકો વિચારી રહ્યા છે.