મોરબીના જેતપર રોડ પર રાહદારીને છરી મારી લૂંટ ચલાવી

24 January 2023 12:49 PM
Morbi
  • મોરબીના જેતપર રોડ પર રાહદારીને છરી મારી લૂંટ ચલાવી

લૂંટ-ઇજાનો ભોગ બનેલ રાજસ્થાનીને સારવારમાં દવાખાને ખસેડાયો

(જીજ્ઞેશ ભટ્ટ) મોરબી, તા.24 : મોરબીના ટીંબડી ગામના પાટીયાથી વાંકાનેરના ઢુવા સુધીના હાઇવે વિસ્તારમાં સમયાંતરે એકલદોકલ રાહદારી વ્યક્તિઓ કે મજૂર જેવા યુવાનોને ટાર્ગેટ કરીને છરીની અણીએ ઇજા પહોંચાડી કે ભય બતાવી લુંટી લેવાના બનાવો સામે આવ્યા છે જેમાં વધુ બે બનાવો મોરબીના જેતપર રોડ ઉપર બન્યા હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.જેમાં યુવાનને છરીના ઘા મારી રોકડ અને મોબાઈલ લુંટી લેવામાં આવ્યા હોય હાલ ઇજાગ્રસ્તને સારવારમાં ખસેડાયો છે.તે રીતે જ બીજો બનાવ પણ જેતપર રોડ રંગપર ગામની પાસે વિરાટનગર નજીક બન્યો હતો જેમાં યુવાનને છરી બતાવી મૂઢમાર મારી તેની પાસેથી પણ પૈસા કઢાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ વેન્ટો સીરામીકમાં ટાઇલ્સ ભરવા માટે આવેલ અને કામ સબબ કારખાનામાંથી બહાર નીકળેલ ઓમારામ લુણારામ જાટ (ઉંમર 35) રહે.જોધપુર (રાજસ્થાન) ઉપર ગત તા.21 ના રાત્રીના 11 વાગ્યાના અરસામાં અજાણ્યા ઈસમે સાથળના પાછળના ભાગે છરી વડે હુમલો કર્યો હતો અને તેની પાસે રહેલ રોકડ અને મોબાઈલની લૂંટ ચલાવવામાં આવી હોવાને સામે આવ્યું છે હાલ ઇજાગ્રસ્ત ઓમારામ જાટને મોરબીની સિવિલ હોસ્પિટલ બાદ ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો અને હોસ્પિટલ સુત્રો તરફથી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલી હોય હાલમાં બીટ વિસ્તારના જમાદાર ફિરોજભાઈ સુમરા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે.તે રીતે જ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ વિરાટનગરના બસ સ્ટેશનની પાસેથી પસાર થઈ રહેલા મોહિતભાઈ સાહુ (ઉંમર 25) રહે.

રંગપર તાલુકો જીલ્લો મોરબી નામના મજૂર યુવાનને અટકાવીને અજાણ્યા વ્યક્તિએ છરી બતાવી માર માર્યો હતો અને તેને ઇજા પહોંચેલી હોય મયુરભાઈ પટેલ નામની વ્યક્તિએ ઇજાગ્રસ્ત મોહિતભાઈ સાહુને સારવારમાં સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલે ખસેડ્યો હતો તે બનાવ અંગે પણ મોરબી તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે છેલ્લા થોડાક સમયથી હાઇવે વિસ્તાર ઉપર નીકળતા એકલદોકલ લોકોને છરીનો ભય બતાવી અથવા છરી જીંકીને રોકડ અને મોબાઈલ તેમજ અન્ય વસ્તુઓ લૂંટી લેવાના બનાવો બની રહ્યા છે જોકે જે અંગે પોલીસ ચોપડે કોઈ ફરિયાદ નોંધાતી ન હોય (પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.) આવા જીવલેણ બનાવો અટકવાનું નામ લેતા નથી માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અંગે ચોક્કસ ટીમ બનાવીને લૂંટારો અને પકડી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

મારામારીમાં ઇજા
મોરબીના લખધીરપુર રોડ પર આવેલ સીતારામ પ્લાસ્ટિક નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા પીરૂબેન ભવાનભાઇ શિંગાળા (ઉમર 40) ને તેના લેબર કવાર્ટર પાસે થયેલ મારામારીના બનાવમાં માથામાં અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

વાહન અકસ્માતના બનાવમાં ધરપકડ
મોરબીના સામાકાંઠે શક્તિ ચેમ્બર સામે રોડ ક્રોસ કરી રહેલા મૂળ જમ્મુ કશ્મીરના બસીરભાઈ (ઉમર 44) નામના યુવાનને બાઈક ચાલકે હડફેટે લીધો હતો જેથી ઇજાગ્રસ્તને મોરબી બાદ રાજકોટ ખસેડાયો છે.જે બનાવમાં ઇજાગ્રસ્ત બસીરભાઈના ભાઈ ઝહરઅહેમદ ભટ્ટી રહે.જમ્મુ-કશ્મીર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી તે બનાવમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા બાઈક ચાલક સુનિલ શ્રીકૃષ્ણભાઈ બચેનિયા (ઉમર 36) હાલ રહે.સીરામીક સીટી વાંકાનેર હાઇવે મોરબી-2 મૂળ ઉત્તરપ્રદેશ વાળાની ધરપકડ કરવામાં આવેલ છે.


Advertisement
Advertisement
Advertisement