(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.24 : વાંકાનેરમાં આવેલ દેવદયા ચેરી ટ્રસ્ટ સંચાલીત એન.આર. દોશી આંખની હોસ્પીટલ ખાતે તા.21થી 28 સુધી નિ:શુલ્ક નેત્રરોગ નિદાન તથા સારવાર માટેના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે લોકોની આંખોની તકલીફો વધી હોવાની અનેક ફરીયાદોને ધ્યાને લઈ આવા કેમ્પોની જરૂરીયાત વર્તાઈ રહી હતી.
ત્યારે વાંકાનેરની દોશી હોસ્પીટલ ખાતે યુકેના દાતાઓના સહયોગથી આ પાંચમા વિનામૂલ્યે મેગા કેમ્પનું આયોજન કરાયું છે. આ મેગા કેમ્પના ઉદઘાટન પ્રસંગે કેમ્પના દાતા અને યુકે સ્થીત જશોદા ફાઉન્ડેશન વતી પોરબંદરના વતની મનોજભાઈ, ભાનુમતીબેન ખાણપાણીયા પરીવાર ઉપરાંત યુકે સહીત અન્ય વિદેશથી ખાસ મહેમાનો તેમજ હોસ્પીટલના ટ્રસ્ટી અને પૂર્વ સાંસદ લલીતભાઈ મહેતા, અનુભાઈ મહેતા તથા રાજ પરીવારના મહારાણા કેશરીદેવસિંહજી ઝાલા ઉદ્યોગપતિ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પ્રજ્ઞેશભાઈ પટેલ સહિત આમંત્રીત મહેમાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
નેત્ર નિદાન કેમ્પમાં વિનામૂલ્યે નિદાન કરી સારવાર આપવામાં આવશે આ મેગા કેમ્પમાં યુકેના ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવશે તેમ દોશી હોસ્પીટલના મેનેજર ધવલભાઈ કથીરીયા તથા ટ્રસ્ટી લલીતભાઈ મહેતાએ જણાવ્યું હતું. આ મેગા કેમ્પનો લાભ લેવા વાંકાનેર તતા આ પંથકના દર્દીઓની સવારથી જ લાઈનો જોવા મળી હતી. આ મેગા કેમ્પ ઉદઘાટન પ્રસંગે લલીતભાઈ મહેતા તથા કેશરીદેવસિંહજી ઝાલા (રાજ પરીવાર વાંકાનેર) તથા ચેમ્બર પ્રમુખ ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલે પ્રાસંગીક પ્રવચન આપ્યું હતું. શ્રી મહેતા દ્વારા હોસ્પીટલની કામગીરી વર્ણવી હતી.