(જીગ્નેશ ભટ્ટ) મોરબી તા.24 : મોરબી પાલિકામાં ગઇકાલે જનરલ બોર્ડની બેઠક હતી જેમાં જુદાજુદા એજન્ડા લેવામાં આવ્યા હતા તેમાં મોરબી પાલિકામાં છેલ્લે મળેલ જનરલ બોર્ડની બેઠકના એજન્ડાને સર્વાનુમતે નામંજૂર કરવામાં આવ્યો હતો ત્યાર બાદ બોર્ડમાં બેઠકમાં પદાધિકારીઓ, સભ્યો અને અધિકારીને તેની ગંભીર ભૂલનું જ્ઞાન થયું હતુ જેથી કરીને પાલિકાના બોર્ડમાં હાજર રહેલા સભ્યોને ફોન કરીને પહેલા એજન્ડાને નામંજૂર કરવાના બદલે પેન્ડિંગ રાખવામા આવ્યો છે જેથી કરીને જાહેરમાં કરવામાં આવેલ બોર્ડની કાર્યવાહીમાં પાછળથી જાદુ કરવામાં આવ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. મોરબી નગરપાલિકામાં છેલ્લે માર્ચ માહિનામાં બજેટ બોર્ડની બેઠક મળી હતી જેમાં મોરબી પાલિકાનું વર્ષ 2022/23 નું નાણાકીય વર્ષનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું
જોકે સરકારના શહેરી વિકાસ વિભાગ તરફથી આપવામાં આવેલ નોટીસ પછી ગઇકાલે નગરપાલિકામાં પ્રમુખ કે.કે. પરમારના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળી હતી. જો કે, આ બોર્ડમાં નોટીસ સિવાય કોઈ એજન્ડા ન લેવા તેવી સૂચન પક્ષના હોદેદાર તરફથી આપવામાં આવી હતી તો પણ શા માટે બોર્ડ બેઠક માટે ત્રણ એજન્ડા કાઢવામાં આવ્યા હતા તે સૌથી મોટો સવાલ છે અને આ બોર્ડ બેઠકમાં પ્રથમ એજન્ડાને સર્વાનુમતે પેન્ડિંગ રાખવો અને પ્રમુખ સ્થાનેથી કોઈ એજન્ડા મૂકવાના નહીં તે પહેલાથી જ નક્કી હતું તો પણ બોર્ડની કાર્યવાહી શરૂ કરવામાં આવી ત્યારે પ્રથમ ગ્રાસે મક્ષિકાની જેમ પાલિકાના જનરલ બોર્ડમાં ગત જનરલ બોર્ડ એટ્લે કે બજેટ બોર્ડમાં કરવામાં આવેલ કાર્યવાહીના પ્રોસિડિંગને બહાલી આપવી કે પછી પેન્ડિંગ રાખવાના બદલે સર્વાનુમતે નામંજૂર કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ સમગ્ર બોર્ડની કાર્યવાહી પૂરી કરવામાં આવી ત્યાં સુધી તેની કોઈ ચર્ચા કરવામાં આવી ન હતી અને ત્યાર બાદ બોર્ડમાં બેઠલા પદાધિકારીએ અને અધિકારીને બ્રહ્મજ્ઞાન થયું હોય
તેમ બોર્ડમાં હાજર રહેલા તમામ સભ્યોને ફોન કરીને પહેલા એજન્ડાને પેન્ડિંગ રાખવા માટેની સહમતી લેવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. કેમ કે, જો આ એજન્ડાને પેન્ડિંગ ન રાખવામાં આવે અને બોર્ડમાં થયેલા નિર્ણય મુજબ નામંજૂર કરવામાં આવે તો પાલિકાને સુપરસીડ થતી કોઈ અટકાવી શકે નહીં તેના માટે પાલિકાને બચાવવા ગત જનરલ બોર્ડના પ્રોસિડિંગના એજન્ડા જાદુ કરીને હાલમાં પેન્ડિંગ રાખવામા આવ્યો છે તેવું જાણવા મળેલ છે ત્યારે મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર અને મોરબી જિલ્લાના અધિક કલેક્ટર એન.કે. મુછાર સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું ગઇકાલે બોર્ડમાં નામંજૂર બોલ્યા છે પરંતુ તે એજન્ડાને પેન્ડિંગ રાખવામા આવેલ છે ત્યાર સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે, બોર્ડની કાર્યવાહી ચાલુ હતી ત્યારે બોર્ડમાં હાજર રહેલા હોદેદારો કે સભ્ય દ્વારા ભૂલ થઈ હોય તો તેને સુધારી શકાય પરંતુ આખા બોર્ડ દ્વારા કરવામાં આવેલ ભૂલને પાલિકામાં પાછું બોર્ડ બોલાવ્યા વગર સુધારી શકાય ખરી ? અને જો આ ભૂલનો સુધારો ન કરવામાં આવે તો આખી પાલિકાનો ભૂગ લેવાય તેવી શક્યતા હતી તેવું ચર્ચાઇ રહ્યું છે.