(વસંત સોની) પાલીતાણા, તા.24 : કોઇપણ ગામ કે નગરને સાફ સુધરૂ રાખવું એ જે તે સ્થાનિક સ્વરાજયની સંસ્થા નગરપાલિકાની હોય છે. પરંતુ પાલિકાતાણા શહેરની મધ્યમાંથી પસાર થતી ખારો નદીના દુર્ગંધ યુકત પાણીથી આ નદીના આસપાસના વિસ્તારોનાં દુર્ગંધ પ્રસરતા નગરજનોમાં તંત્ર વિરૂધ્ધ વ્યાપક રોષ જોવા મળે છે. આજુબાજુની સોસાયટીઓ અને રહેણાક વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવના પગલે રોગચાળો ફેલાવાની દહેશત ઉભી થવા પામેલ છે. ખારો નદીમાં વરસાદી પાણીના બદલે દુર્ગંધ યુકત પાણી વહી રહ્યું છે.
આ નદીમાં પંપ દ્વારા ગટરનું પાણી પણ ઠલવાય રહ્યું છે. નદીની આસપાસના વિસ્તારોમાં સતત દુર્ગંધ આવે છે અને મચ્છરોનો મોટા પ્રમાણમાં ત્રાસ રહે છે. જેથી રોગચાળો વધવાની શકયતાઓ ઉભી થયેલ છે. જેના લીધે આ વિસ્તારોના રહીશોમાં તંત્ર વિરૂધ્ધ રોષ ભભુકી ઉઠયો છે.ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મન કી બાત કાર્યક્રમમાં નદી શુધ્ધ રાખવાના સપનાને પાલીતાણા નગરપાલિકાના તંત્ર વાહકો ટાળી રહ્યા છે. મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાને નદીને માતા તરીકે સંબંધી નદીને શુધ્ધ-સ્વચ્છ રાખવાની હિમાયત કરેલ.
પરંતુ પાલિતાણા નગરપાલિકા વડાપ્રધાનનું શુધ્ધ નદીનું સપનું ચકનાચુર કરવા નીકળ્યા છે. વડાપ્રધાને નદીને શુધ્ધ રાખવી ભારપૂર્વક વાત કરી છે પરંતુ પાલિતાણાની મધ્યમાં આવેલ વીડીયો નદી અને ખારો નદીની સ્થિતિ તેનાથી તદન વિપરીત છે.પાલીતાણા શહેરની મધ્યમાં આવેલ ખારો નદી ગંદકીથી પ્રદુષિત છે. નદીમાં ગટરનું દુર્ગંધ યુકત પાણી ઠલવાઇ રહ્યું છે.
નદીઓ સ્વચ્છ કરવાનું અભિયાન કોણ કરશે ? ભાજપ શાસિત પાલિતાણા નગરપાલિકાના તંત્ર વાહકો નરેન્દ્ર મોદીની નદી શુધ્ધ રાખવાના અભિયાનને નિષ્ફળ બનાવવા મેદાને પડયા હોય તેમ શહેરની લોકમાતા તરીકે ઓળખાતી ખારો નદી દિન પ્રતિદિન પ્રદુષિત કરી રહ્યા છે. શેત્રુંજી ઇરીગેશન કે નગરપાલિકાએ તાત્કાલીક સ્વચ્છતા અભિયાન કરવાની જરૂર છે. હાલમાં ખરો નદીમાં ગાંડી વેલની લીલીચાદર પથરાઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. નદીને પ્રદુષિત થતી અટકાવવાની જાહેરાત નગરપાલિકામાં ફકત કાગળ ઉ5ર અને દીવાલો પરની જાહેરાતમાં જ જોવા મળેલું છે.
ભૈરવનાથ ચોક વિસ્તારમાં આવેલ શાક માર્કેટ તથા આજુબાજુની લારીઓ અને દુકાનોવાળા દરરોજ સાંજે શાકભાજી અને ગંદકી જેવો કચરો ખારો નદીમાં ફેંકીને ખારો નદીને પ્રદુષિત કરી રહ્યા છે. તેમ છતાં પાલિકા તંત્ર જવાબદારી સામે પગલા લેવામાં બેદરકારી સેવી રહેલ છે. જેના કારણે પવિત્ર તીર્થ નગરી પાલિતાણાના નગરજનોમાં તેમજ યાત્રિકોમાં ભારે નારાજગી પ્રવર્તે છે. આરોગ્ય તંત્ર, નગરપાલિકા અને ઇરીગેશન તંત્ર આ અંગે યોગ્ય પગલા ભરે તેવી માંગ ઉઠી છે.
શહેરની મધ્યમાં આવેલ ખારો નદીમાં ગટરની ચિકકાર ગંદકી ફેલાઇ છે. મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. છતાં તંત્ર નદીની સફાઇ માટે લેશમાત્ર કામગીરી કરવામાં આવેલી નથી. સડેલા શાકભાજી, કચરો નદીમાં ઠલવાય છે. આથી ખારો નદી પ્રદુષિત થઇ ગયેલ છે. દેશમાં સફાઇ અભિયાનની વાતો થાય છે. ગંગા નદીની સફાઇ માટે કરોડો રૂપિયા ફાળવાનું કહેવાય છે.
પરંતુ તીર્થ નગરી પાલિતાણામાં આવેલ લોક માતા ખારો નદીમાં કચરો ઠાલવીને તેમજ ગંદુ પાણી ઠાલવીને ગંદકી કરવાના દુષ્ટકૃત્યો પણ આપણે જ કરીએ, કરાવીએ છીએને ? પાલિતાણા શહેરી મધ્યમાંથી પસાર થતી નદીમાં કચરાના ઢગલાઓ સ્થાનિક તંત્રને દેખાતા નથી.5ાલિતાણા શહેરની મધ્યમાંથી ખારો નદી પસાર થાય છે. નદીના કાંઠે ગારિયાધાર પુલ પાસે ગરીબ પરિવારોના ઝુંડાઓ નદીનાં કાંઠે આવેલા છે. આગળ જતા તળાજા રોડને અડીને સ્મશાન ગૃહની પાછળથી ખારો નદી આગળ ખારો ડેમ તરફ જાય છે.
પાલિતાણા નગરપાલિકાના તંત્ર વાહકોએ જણાવેલ કે ખારો નદી સિંચાઇ વિભાગ હસ્તક આવે છે. તેની સફાઇની જવાબદારી નગરપાલિકાની રહેતી નથી. ખારો નદીમાં વહેતી ગટર ગંગાને વહેલી તકે બંધ કરાવે તેમજ તૂટેલી ગટર લાઇનો રીપેરીંગ કરવામાં આવે તે આવશ્યક છે. જવાબદારીમાંથી હાથ ખંખેરી લેતા અધિકારીઓ લોકોની માંગણીને ધ્યાને લેશે કે કેમ તે હાલમાં કહેવું મુશ્કેલ છે.