રાજકોટ,તા.24
ઉપલેટાના રિલાયન્સ ટ્રેન્ડસ મોલમાં કપડાં લેવા આવેલા ગ્રાહકોએ કેશિયરને ફડાકા ઝીંકી દઈ મોલમાં ભારે અપશબ્દો બોલતા અંતે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. ઓનલાઈન પેમેન્ટ કર્યું હોય પણ ટેક્નિકલ એરરના કારણે મોલના એકાઉન્ટમાં રૂપિયા જમા ન થયા હોવા છતાં માથાકૂટ કરી આરોપીઓએ બધડાટી બોલાવી હતી.
ઉપલેટાની સ્વામિનારાયણ સોસાયટીમાં રહેતા અને રિલાયન્સ ટ્રેન્ડસ મોલમાં કેશિયર તરીકે નોકરી કરતા અજય અશોક વાણીયા(આહીર) (ઉ.વ.27)એ આરોપી રજાક ઉર્ફે કાળિયો ગની ઓડિયા, મહંમદહુસેન રજા ઓડિયા અને અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તા.23ના રોજ બપોરે એકાદ વાગ્યાની આસપાસ અમારા મોલમાં ત્રણ વ્યકિતઓ ખરીદી માટે આવેલ અને ખરીદી બાદ તેઓએ ગુગલ પે દ્વારા રૂ.1299 સ્કેન મશીનથી પેમેન્ટ કરેલ. જે પેમેન્ટ ખરીદી કરનાર પાસેથી કપાયેલ બતાવેલ અને જયારે અમારા રિલાયન્સના સ્કેનરમાં રીસીવ નહોતા થયા.
તેમ છતાં અમારી પાસે કપડા માગેલ જેથી અમારા મેનેજર રહેમતુલ્લા ફરદીનએ તેને સમજાવેલ કે અમારી પાસે પેમેન્ટ જમા થયું નથી. જેથી અમે કપડા ન આપી શકીએ. અને કંઈક એરર હશે તો પેમેન્ટ પ્રોસીઝર પછી તમારામાં સાત દીવસમાં પૈસા જમા થઈ જશે તેવી મેનેજરે ખાત્રી આપેલ અને હું કેશીયર હોવાથી મેં પણ સમજાવવાનો પ્રયાસ કર્યો. જેથી આ આરોપી ઉશ્કેરાઈ ગયા હતા અને અપશબ્દો બોલવા લાગેલ, અને મારી સાથે ઝપાઝપી કરી આડેધડ લાફા અને ઢીકાનો માર માર્યો હતો. ઉપલેટા પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ કરી હતી.