રાજકોટ તા.24 : બહેન તેના લાડકવાયા નાના ભાઈને હેતથી રમાડતી હતી ત્યારે જ તેને આંચકી આવતા નાનોભાઈ હાથમાંથી સરકીને નીચે પટકાતા તેને માથામાં ગંભીર ઈજા પહોંચતા રાજકોટ સીવીલ હોસ્પીટલે સારવારમાં તેનું મોત નિપજતા વિસાવદરના નાનકડા સરાસરના પટેલ પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત અનુસાર, વિસાવદરના સરાસર ગામમાં રહેતાં ગોપાલભાઈ રામાણી ખેતીકામ કરે છે અને સંતાનમાં મોટી પુત્રી વિરા અને એક પુત્ર વિદાન (ઉ.વ. છ માસ) છે ગઈ તા.18ના તેની પુત્રી વિરા તેના નાનાભાઈ વિદાનને હાથમાં તેડીને હેતથી રમાડતી હતી ત્યારે અચાનક જ તેને આંચકી ઉપડી હતી અને પોતાના હાથમાં રહેલ છ માસનો વિદાન ફંગોળાઈને નીચે પટકાયો હતો.
જેમાં તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી. તેને તાત્કાલીક પ્રથમ વિસાવદર અને બાદમાં વધુ સારવાર માટે રાજકોટ સીવીલ હોસ્પીટલે ખસેડાયો હતો.પરંતુ સારવાર કારગત ન નિવડતા છ માસના વિદાનનું મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે પ્રનગર પોલીસને જાણ કરી હતી. એકના એક પુત્રના મોતથી પટેલ પરિવારમાં આક્રંદ છવાયો હતો.