બાબરા પાલિકાનું લાખોનું બાકી વીજ બીલ વસુલવા પીજીવીસીએલે જોડાણ કાપ્યું: પાણી વિતરણ ઠપ્પ

24 January 2023 03:02 PM
Amreli
  • બાબરા પાલિકાનું લાખોનું બાકી વીજ બીલ વસુલવા પીજીવીસીએલે જોડાણ કાપ્યું: પાણી વિતરણ ઠપ્પ

♦ વર્ષોથી પાંચ કરોડની ચડત બીલ સામે માત્ર પાંચ લાખ જમા કરાવ્યા: નોટીસ બાદ વીજ તંત્રની કડક કાર્યવાહી

♦ પાલિકાએ બાકી મિલ્કત વેરો વસુલવાની ઝુંબેશમાં 4 દુકાનો સીલ કરી

અમરેલી, તા.24
બાબરા નગરપાલિકાના પાણી પુરવઠાના ત્રણ જેટલા વીજ કનેકશનના વીજ બિલ બાકી હોવાથી પીજીવીસીએલ દ્વારા વીજ જોડાણ કાપી નાખતા શહેરમાં પાણી વિતરણ ખોરવાયું છે. નગરપાલિકા પાસે પાણી પુરવઠાના પીજીવીસીએલના વર્ષોથી પાંચ કરોડની આસપાસની વીજ બિલ રકમ બાકી છે. અગાઉ ર0ર0માં પાંચ લાખ જમા કરાવ્યા હતા ત્યારબાદ રકમ ભરેલ નથી. પાલિકાનું પાણી પુરવઠાનું બિલ દર મહિને 6 લાખ આવે છે પીજીવીસીએલ દ્વારા એક પખવાડિયા પહેલા પાલિકાને નોટિસ આપી બાકી વીજ બિલ ભરી આપવા સૂચના આપેલ હતી. પણ પાલિકા દ્વારા એકપણ રૂપિયો નહિ ભરતા તંત્ર દ્વારા વીજ જોડાણ કાપી નાખતા પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓમાં દોઢધામ મચી ગઇ છે. અગાઉ ર017માં પણ સ્ટ્રીટ લાઈટનું બિલ પણ પાલિકા દ્વારા નહિ ભરવામાં આવતા બે દિવસ શહેર અંધારામાં રહ્યું હતું.

આ બાબતે નગરપાલિકા ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે પીજીવીસીએલનું વીજ બિલ બાકી છે તેમાંથી શકય તેટલી રકમ ભરવા માટે પાલિકા દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. પાલિકા પ્રમુખ સહિત મુખ્ય પદાધિકારીઓ દ્વારા પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક કરી પ્રશ્ન ઉકેલવામાં આવશે.હાલ અમુક દિવસ સુધી શહેરના લોકોને પાણી માટે થોડી મુશ્કેલીઓ પડશે તેમજ લોકો પણ સાવચેતી પૂર્વક પાણીનો ઉપયોગ કરે તેવું અંતમાં ચીફ ઓફિસર દ્વારા જણાવ્યું હતું.
4 દુકાનો સીલ

આ બાબતે નગરપાલિકા વેરા શાખા અધિકારી ડી.જે. વાળાએ જણાવ્યું હતું કે, જે રહેણાંક અને બિન રહેણાંકનો આશરે દોઢ કરોડ જેટલો વેરો વસુલ કરવાનો બાકી છે. મિલ્કત ધારકોને પાલિકા દ્વારા અનેકવાર નોટિસ આપવામાં આવી છે તેમ છતાં સમયમર્યાદામાં બાકી વેરો નહી ભરતા આજે શહેરમાં મુખ્ય બજારમાં આવેલ ચાર જેટલી દુકાનો કે જેનો પ0 હજાર જેટલો મિલ્કત વેરો બાકી હતો જે નહીભરતા સિલ મારવાની કાર્યવાહી કરેલ છે.

નગરપાલિકાનાં ચીફ ઓફિસર રઘુવીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાના વેરા વસુલાતમાં કોઈ કચાસ નહી રાખવામાં આવે. પાંચ હજારથી બાકી તમામ મિલ્કતનો વેરો વસુલ કરવામાં આવશે. જે મિલ્કત ધારકો વેરો સમય મર્યાદામાં નહી ભરે તેમની વિરૂધ્ધ પાલિકા ઘ્વારા કડક કાર્યવાહી કરશે.

બિન રહેણાંક મિલ્કતધારકોની મિલ્કતને સિલ મારવામાં આવશે તેમજ રહેણાંક મિલ્કતધારકોની સુવિધાઓ બંધ કરવામાં આવશે. જેમાં આવશ્યક સેવાઓ પાણી અને લાઈટ, સફાઈ બંધ કરાશે તેમજ બિન આવશ્યક સેવાઓ જે ટીવી, ફ્રીઝ અને બાઈક સુધીના સાધનો જપ્તી પણ નગરપાલિકા ઘ્વારા કરવામાં આવશે. તેવું અંતમાં પાલિકાનાં ચીફ ઓફિસર ઘ્વારા જણાવ્યું હતું.


Advertisement
Advertisement
Advertisement