અમરેલી જિલ્લામાં રાત્રીના બદલે દિવસે વીજળી આપવા ખેડૂતોની માંગ: આવેદનપત્ર અપાયું

24 January 2023 03:03 PM
Amreli
  • અમરેલી જિલ્લામાં રાત્રીના બદલે દિવસે વીજળી આપવા ખેડૂતોની માંગ: આવેદનપત્ર અપાયું

રાત્રિના ઠંડી સાથે હિંસક પ્રાણીઓનાં હુમલાથી ખેડૂતો પરેશાન

અમરેલી, તા.24
અમરેલી જિલ્લો એ કૃષિપ્રધાન છે. જિલ્લામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મોટાભાગની જનતા કૃષિ સાથે જોડાયેલી છે. જિલ્લાનાં મોટાભાગનાં જનપ્રતિનિધિઓ ખેડૂત પુત્ર છે અથવા તો ખેતી સાથે સંકળાયેલ હોય તેવા સમયે જ જિલ્લામાં ખેડૂતોની આવકમાં વધારો થવાને બદલે ઘટાડો થઈ રહૃાો છે. કારણ કે ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ થતું નથી.
અમરેલીનાં બાબાપુર પંથકમાં મોટી સંખ્યામાં સિંહો અને દીપડાઓનો વસવાટ હોય સમી સાંજે ખેડૂતો સહિત સૌ કોઈને બહાર નીકળવામાં સો વાર વિચાર કરવો પડે તેવી સ્થિતિ તેમજ કડકડતી ઠંડી વચ્ચે ખેડૂતોને ખેતી માટે વીજળી રાત્રિનાં સમયે અપાતી હોવાથી ખેડૂતો રાત્રિનાં સમયે ખેતી કાર્ય કરવા મજબૂર બન્યા છે.

ખેડૂતોએ પીજીવીસીએલનાં અધિકારીને આવેદનપત્ર પાઠવીનેદિવસે વીજળી આપવાની માંગ કરી હતી. આ તકે ખેડૂતોએ એવો પણ આક્ષેપ કર્યો કે ચૂંટણી પહેલા મત મેળવવા હોવાથી દિવસે વીજળી અપાતી હતી અને હવે ભભરાત ગઈ બાત ગઈભભ એટલે રાતે વીજળી આપવાનું શરૂ થયું છે. જવાબદાર અધિકારી કે પદાધિકારીઓ માટે ખેડૂતોને દિવસે વીજળી આપવી જોઈએ તેવી માંગ ઉભી થઈ છે.

વડિયા
મોટી કુંકાવાવ તાલુકાના ગામડા વિસ્તારનાં ખેડૂતોને પીજીવીસીએલ કંપની દ્વારા અત્યારે રાત્રીના સમયે વીજળી આપવામાં આવે છે. ત્યારે ખેડૂતોને રાત્રીના સમયે વાડીએ પાકને પાણી આપવા જવાનું થાય ત્યારે વાડી વિસ્તારમાં જંગલી જાનવરો સિંહ, દીપડા, ભૂંડ, રોજનો ભય ખેડૂતોને સતત લાગી રહ્યો છે તેમજ શિયાળાનો સમય હોવાથી ઠંડીનું પ્રમાણ વધારે હોવાથી ખેડૂતોને ઠંડીનો પણ સામનો કરવો પડે છે. ત્યારે કુંકાવાવ તાલુકાના નાજાપુર, મોટી કુંકાવાવ, અમરાપુર તેમજ અલગ-અલગ ગામના ખેડૂતો દ્વારા મોટી કુંકાવાવ પીજીવીસીએલ ઓફીસ પર રૂબરૂ જઈ અને અધિકારીને વાત કરી અને રજુઆત કરવામાં આવી અને જલ્દીમાં જલ્દી આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે એવી ખેડૂતો દ્વારા રજુઆત કરવામાં આવી.


Advertisement
Advertisement
Advertisement