વેરાવળ, તા. ર4
ગીર સોમનાથ જીલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા બિન અધિકૃત બાંધકામને અધિકૃત કરવાના સરકારના વટહુકમના નિયમોમા ફેરફાર કરવા બાબતે વેરાવળ નગરપાલિકાના ચીફ ઓફિસર સહીતનાને લેખીત રજૂઆત કરેલ છે.આ અંગે ગીર સોમનાથ જીલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ કરશનભાઇ બારડ સહીતનાએ ચીફ ઓફીસરને લેખીત રજૂઆત કરી જણાવેલ કે, ગુજરાત સરકાર દ્રારા તા.17-10-2022ના રોજ બિન અધિકૃત બાંધકામને અધિકૃત કરવાનો વટહુકમ બહાર પાડેલ છે. 2013 પછી ફરીથી સરકાર દ્રારા આ હુકમ બહાર પાડતા વેરાવળના શહેરીજનોમા એક મોટી આશા બંધાયેલ પરંતુ આ હુકમના નિયમો અતી આકરા હોય જેને લઈને શહેરીજનો અતી મુંઝવણમા મુકાયા છે.
કોરોનાકાળના સમય બાદ લોકો મંદીના મોજામા આવી ગયેલ હોય જ્યારે આ કાયદો આવેલ ત્યારે લોકોમા એક આશા બંધાયેલ હતી કે મકાનની મંજુરી મળી જાય તો ઓછા દરની લોન પ્રાપ્ત થઈ શકે પરંતુ સરકારના ઇમ્પેકટ ફી ના નવા પરિપત્ર મૂજબ આ શક્ય બન્યુ નથી જેમા મકાનનો રવેશ માત્ર બે કે ત્રણ ફૂટ બહાર હોય કે મકાન ટેનામેન્ટ
સિસ્ટમમા હોય તો મંજૂરી મળવા પાત્ર નથી.
જો કે વેરાવળમા દરેક મકાનો આ પ્રકારના હોય જેથી આજદિન સુધી નગરપાલીકામા એક પણ જૂના મકાનોની મજૂરી માટેની ફાઇલો આવી નથી. જો કે વેરાવળમા 45 હજારથી વધુ મકાનો મંજૂરી વગરના ઉભા છે અને જૂના મકાનધારકોને બહારગામ જવુ હોય કે બાળકોના ઉચ્ચ અભ્યાસ કે પ્રસંગો માટે મકાન વેચવુ હોય કે લોન મેળવવી હોય તો તે મંજૂરી વગર લાચાર બની જાય છે. જ્યારે હાલ નવા બાંધકામો થઈ રહેલ છે તેને તંત્ર દ્રારા તેમનો રવેશ બે કે ત્રણ ફૂટ બહાર હોય તો પણ મંજૂરી મળી જાય છે તો જૂના બાંધકામ ધારકો કે મકાનોને મંજૂરી મેળવવા માટે શુ વાંક ? કે જેઓને અત્યારે મંજૂરી મળતી નથી.