ઈન્દોર, તા.24
ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ઈન્દોરના હોલકર સ્ટેડિયમ પર રમાઈ રહેલી ત્રીજી વન-ડે મેચમાં ઓપનિંગ બેટર રોહિત શર્મા અને શુભમન ગીલે કિવિ બોલરોની બેફામ ધોલાઈ કરી નાખીને શાનદાર સદીઓ બનાવી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયા અત્યારે જંગી જુમલા ભણી અગ્રેસર હોવાનું લાગી રહ્યું છે.
રોહિત-ગીલે મળીને 26.1 ઓવરમાં સ્કોરબોર્ડ ઉપર 212 રન બનાવી દીધા હતા. આ વેળાએ રોહિત શર્મા 85 બોલમાં નવ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી 101 બોલમાં બ્રેસવેલની બોલિંગમાં બોલ્ડ થયો હતો. આ પછી ટીમનો સ્કોર 230 રને પહોંચ્યો ત્યારે શુભમન ગીલ પણ 78 બોલમાં 13 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 112 રન બનાવી ટીકનેરની બોલિંગમાં કોન્વેને કેચ આપી બેઠો હતો.
આમ 230 રનના મજબૂત સ્કોરે ટીમ ઈન્ડિયાના ઓપનર આઉટ થયા હતા. હાલ આ લખાઈ રહ્યું છે ત્યારે વિરાટ કોહલી 10 રન બનાવી રમતમાં છે અને ઈશાન કિશન તેનો સાથ આપી રહ્યો છે. ભારતે 28.1 ઓવરમાં બે વિકેટે 231 રન બનાવી લીધા છે. ન્યુઝીલેન્ડના જેકોબ ડફીની સૌથી વધુ ધોલાઈ થ, હોય તેવી રીતે ચાર ઓવરમાં તેણે 42 રન આપી દીધા છે. આ ઉપરાંત ડેરીલ મીચેલે પણ 4 ઓવરમાં 41 રન આપ્યા છે.