જામ ખંભાળિયા, તા. 24
ખંભાળિયાની સેવા સંસ્થા માનવ સેવા સમિતિ સંચાલિત લલીતાબેન પ્રેમજીભાઈ બદીયાણી હોસ્પિટલ તથા શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટ- દ્વારકા, અને રઘુવંશી સોશિયલ ગ્રુપ- દ્વારકાના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે નેત્ર નિદાન, સારવાર તથા શસ્ત્રક્રિયા કેમ્પ સાથે દંતયજ્ઞ તથા બ્લડપ્રેશર ડાયાબિટીસના દવા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
દ્વારકાની લોહાણા મહાજન વાડી ખાતે યોજવામાં આવેલા આ કેમ્પમાં મૂળ દ્વારકાના તથા હાલ લંડન સ્થિત મનહરભાઈ ભાયાણીના આર્થિક સહયોગથી સ્વ. ડો. હંસાબેન રામજીભાઈ ભાયાણીના સ્મરણાર્થે સેવા પ્રવૃત્તિ પ્રસંગે દાતા પરિવારના સન્માન સમારંભના પ્રારંભે સંસ્થાના ટ્રેઝરર અને ટ્રસ્ટી જગદીશભાઈ ચાવડાએ સૌનું સ્વાગત કર્યું હતું.
આ કેમ્પમાં આંખ વિભાગમાં 280 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. આંખના ઓપરેશનની જરૂર જણાતા 88 જેટલા દર્દીઓને બસ દ્વારા રાજકોટ ખાતેની રણછોડદાસજી બાપુ ચેરીટેબલ આંખની હોસ્પિટલ ખાતે લઈ જઈ બીજે દિવસે ઓપરેશન કરી, ત્રીજા દિવસે પરત લઈ આવવામાં આવ્યા હતા.
દાંત વિભાગમાં હોસ્પિટલના નિષ્ણાત સર્જન ડોક્ટર ક્રિષ્નાબેન મોરઝરીયા દ્વારા તપાસી સારવાર આપવામાં આવી હતી. જેમાં 95 દર્દીઓએ લાભ લીધો હતો. બી.પી. તથા ડાયાબિટીસ અને અન્ય લેબોરેટરી વિભાગમાં માનવસેવા સમિતિના રીમ્પલબેન બારાઈએ સેવા આપી, 85 જેટલા દર્દીઓને તપાસી સારવાર તથા દવાઓ આપી હતી.
માનવ સેવા સમિતિના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણીએ હોસ્પિટલની પ્રવૃત્તિઓની રૂપરેખા આપી, પ્રાસંગિક પ્રવચનમાં દાતાઓની ભાવનાને બિરદાવી હતી. શિવગંગા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વરભાઈ ઝાખરીયાએ આયોજનમાં સહભાગી થઈ, રઘુવંશી સોશિયલ ગ્રુપના અશ્ર્વિનભાઈ ગોકાણીએ તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવી હતી. જેમાં માનવસેવા સમિતિના સૌ ટ્રસ્ટીઓનું પણ ઉપરણા અને મોમેન્ટોથી સન્માન કર્યું હતું.
માનવ સેવા સમિતિના પૂર્વ પ્રમુખ રાજુભાઈ મજીઠીયા, સેક્રેટરી મનુભાઈ પાબારી તેમજ ટ્રસ્ટી વિમલભાઈ સાયાણીએ કેમ્પ દરમિયાન ઉપસ્થિત રહીને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. કેમ્પને સફળ બનાવવા માટે પ્રચાર પ્રસાર સહિતની તમામ વ્યવસ્થા માટે હોસ્પિટલના મેનેજર અભિષેક સવજાણી તેમજ રાહુલ કણજારીયાએ જહેમત ઉઠાવી હતી.