ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સોનારી ગામના રહીશ ગભરુભાઈ મોલાભાઈ ચૌહાણ નામના 43 વર્ષના કોળી માછીમાર યુવાન ગત તારીખ 22મી ના રોજ ઓખાના દરિયામાં ઉતરા નામની બોટ પર પાછળના ભાગે લઘુશંકા કરવા ગયા હતા, ત્યાં અકસ્માતે દરિયાના પાણીમાં પડી જવાના કારણે ડૂબી જવાથી તેમનું મૃત્યુ નીપજ્યું હોવાની જાણ અલ્પેશભાઈ ભીમાભાઈ સોલંકીએ ઓખા મરીન પોલીસને કરી છે.
નવ વર્ષમાં પાંચ ટકા સુધી વ્યાજ વસૂલ કરી અને મકાન પડાવી લેવા ધમકી આપતા ભાટીયાના સામે ગુનો
કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામે રહેતા રણછોડભાઈ જેરામભાઈ સોનગરા નામના 45 વર્ષના સતવારા યુવાને વર્ષ 2013માં આ જ ગામના લખમણભાઈ સોમાતભાઈ ગોજીયા પાસેથી પાંચ ટકાના વ્યાજ દરથી રૂપિયા પાંચ લાખ લીધા હતા. વર્ષ 2013 થી 2022 સુધીમાં ફરિયાદી રણછોડભાઈએ લખમણભાઈને કુલ રૂપિયા નવ લાખ ચૂકવ્યા હોવા છતાં પણ ફરિયાદીનું મકાન પડાવી લેવાના ઇરાદાથી લખમણભાઈ ગોજીયાએ અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં જુદી જુદી કલમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
ભાટિયાના રહેણાંક મકાનમાં ઘરફોડી
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા મીઠીબેન રણછોડભાઈ જેરામભાઈ સોનગરા નામના 40 વર્ષના સતવારા મહિલાના રહેણાંક મકાનમાં ગત તારીખ 7 જાન્યુઆરીના રોજ કોઈ તસ્કરોએ પ્રવેશ કરી, અહીં રાખવામાં આવેલા કેમેરા તથા રાઉટર મળી કુલ રૂપિયા 5,600 ના મુદ્દામાલની ચોરી થવા સબબ કલ્યાણપુર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સલાયા અને દ્વારકામાં જુગાર રમતા ચાર મહિલાઓ સહિત છ ઝડપાયા
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે બંદર રોડ વિસ્તારમાંથી પોલીસે ગત રાત્રે જાહેરમાં મોબાઈલ ફોનમાં લુડો ગેમ ડાઉનલોડ કરીને જુગાર રમી રહેલા કેતન અમૃતભાઈ લધાણી અને સાગર ભગવાનજીભાઈ લધાણી નામના બે શખ્સોને ઝડપી લઇ, કુલ રૂપિયા 8,700 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દ્વારકામાં જલારામ સોસાયટીની પાછળના ભાગેથી પોલીસે નીતુબેન વિજય ચારોલીયા, ગૌરીબેન આતમભાઈ કોચિયા, ક્રિષ્નાબેન બટુકભાઈ કાંજિયા અને રક્ષાબેન મનોજભાઈ બાંબરોલીયા નામના ચાર મહિલાઓને તીનપત્તીનો જુગાર રમતા ઝડપી લઇ, રૂપિયા 1,230 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સલાયાનો યુવાન છરી સાથે ઝડપાયો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે મેઈન બજાર વિસ્તારમાંથી એજાજ ઈશાક ભગાડ નામના 28 વર્ષના મુસ્લિમ વાઘેર શખ્સને પોલીસે છરી સાથે નીકળતા ઝડપી લઇ, તેની સામે જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ કાર્યવાહી કરી હતી.