જામ ખંભાળિયા, તા.24
રઘુવંશી સમાજના કુળદેવતા, પ્રખર ધર્મ રક્ષક અને ગૌરક્ષક વીર દાદા જસરાજજીની રવિવારે પુણ્યતિથિ નિમિત્તે ખંભાળિયામાં સેવાકીય પ્રવૃત્તિઓના ભાગરૂપે અત્રે બેઠક રોડ ઉપર આવેલી શેઠ વી.ડી. બરછા નવી લોહાણા મહાજન વાડી ખાતે યોજવામાં આવેલા રક્તદાન કેમ્પમાં મોટા પ્રમાણમાં રક્ત એકત્ર થયું હતું. જે અહીંની સરકારી હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત આ સ્થળે યોજવામાં આવેલા આયુષ્યમાન ભારત કાર્ડ અંગેના કેમ્પમાં પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. આ સાથે અહીંના જાણીતા દંત ચિકિત્સક ડોક્ટર નિકિતા રૂપારેલીયા તથા ડોક્ટર ધ્વનિબેન બરછા દ્વારા વિનામૂલ્યે યોજવામાં આવેલા ડેન્ટલ કેમ્પમાં મોટી સંખ્યામાં દર્દીઓએ સેવા-સારવારનો લાભ લીધો હતો.
રઘુવંશી જ્ઞાતિના શૈક્ષણિક ક્ષેત્ર માટે પણ ખાસ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. આ સમગ્ર આયોજન માટે લોહાણા મહાજન ટ્રસ્ટના નેજા હેઠળ સંસ્થાના હોદ્દેદારો, યુવાઓ, કાર્યકરોએ નોંધપાત્ર જહેમત ઉઠાવી હતી.